
- રાજકોટમાં 206 સિટી બસ અને 32 બસ BRTS રૂટ પર દોડે છે,
- મ્યુનિ. દ્વારા બસ સંચાલન માટે કોન્ટ્રાક્ટ અપાયો છે,
- શહેરી બસ સેવામાં પ્રતિદિન 54000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે
રાજકોટઃ ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈબીજના દિને મહિલાઓ માટે બીઆરટીએસ અને સિટી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. તા. 23 ઓક્ટોબરને ગુરૂવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર ભાઈબીજ નિમિતે બહેનો અને મહિલાઓને મ્યુનિએ અનોખી ભેટ આપી છે. મહિલાઓને ભાઈબીજના દિને RMTS (રાજકોટ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ) એટલે કે સિટી બસ અને BRTS (બસ રેપિડ ટ્રાન્સીટ સિસ્ટમ) માં ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવશે. જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ શકશે. નોંધનીય છે કે, શહેરમાં સીટી બસ અને BRTSમાં દૈનિક 54,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેમાં ભાઈબીજના દિવસે મુસાફરી કરનારી તમામ બહેનોને ટિકિટ લેવી નહીં પડે.
રાજકોટમાં દરરોજ 206 સિટી બસ અને 32 બસ BRTS રૂટ પર દોડે છે. જેમાં દરરોજ 54,000 મુસાફરો પ્રવાસ કરે છે. શહેરની સિટી બસમાં દરરોજ સિટી બસમાં 24,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. જ્યારે BRTS બસમાં દરરોજ 30,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે.
મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે, ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે. ભાઈબીજ એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે.
રાજકોટ મ્યુનિ. દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આગામી 23 ઓક્ટોબરના ગુરૂવારના રોજ ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે પુરુષોએ મુસાફરી દરમિયાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા ભાઈબીજના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિ:શુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને અપીલ કરવામાં આવી છે અને ભાઈબીજના તહેવારની શુભેચ્છા પણ પાઠવી છે.