
ગાંધીનગર મ્યુનિની સિટી બસો હવે સરકારી કાર્યક્રમો માટે 35 રૂપિયા કિલોમીટરે ભાડે અપાશે
- મ્યુનિની સ્ટેન્ડિગ કમિટીએ દરખાસ્તને મુંજર કરી,
- સિટી બસનું સંચાલન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો,
- 300 કિલોમીટરથી વધુ માટે પ્રતિ કિલોમીટર 35 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવશે,
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની સિટી સર્વિસની બસો સરકારી કાર્યક્રમોમાં દોડાવવા માટે ભાડે લેવા પ્રતિ કિલોમીટર 35 રૂપિયાનું ભાડું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ બસ ભાડે લેવા માટે 300 કિલોમીટર સુધીનું પેકેજ નક્કકી કરવામાં આવ્યું હતું. હવે 300 કિલોમીટરથી વધુ માટે પ્રતિ કિલોમીટર 35 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સિટી બસ સેવાના સંચાલન માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ એજન્સી હાલ શહેરના વિવિધ રૂટ પર સિટી બસ દોડાવી રહી છે. વિવિધ સરકારી કાર્યક્રમો અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યોજાતા કાર્યક્રમોમાં લોકોને મોકલવા માટે અવારનવાર સિટી બસ ભાડે લેવામાં આવે છે જેનું ભાડું મ્યુનિ, કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સીને ચૂકવવામાં આવે છે. આ ભાડાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે અગાઉ આ એજન્સી પાસેથી બસો ભાડે લેવા માટે 300 કિલોમીટરની મર્યાદાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ 300 કિલોમીટર સુધી બસ ફરે તો પ્રતિ કિલોમીટર 32 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવેલો છે. આ મુજબ જ બસનું ભાડું ચૂકવવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં બસનો ફેરો 300 કિલોમીટરથી વધી જતો હોય છે. જે માટેની કોઇ સ્પષ્ટતા નહીં હોવાથી વહીવટી પ્રશ્નો ઉભા થતા હતા. આથી બસ ભાડે લેવા બદલ 300 કિલોમીટરથી વધારે કિલોમીટર ફરે તેવા કિસ્સામાં 300 કિલોમીટરથી દરેક વધારાના કિલોમીટર દીઠ 35 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી કાર્યક્રમોનું પ્રમાણ વધતાં વોર્ડમાંથી કાર્યકરો અને નાગરિકોને લાવવા- લઇ જવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં સિટી સર્વિસની બસનો ઉપયોગ કરવામાં આવે છે.