 
                                    - અમદાવાદ સહિત 132 શહેરમાં ગુજરાતી સહિત 20 ભાષામાં આ ટેસ્ટ લેવાશે,
- પ્રશ્નપત્ર –1 ધોરણ 1થી પાંચ માટે અને પ્રશ્નપત્ર-2 ધોરણ 6થી આઠ માટેનુ રહેશે,
- પ્રશ્નપત્ર-1ની પરીક્ષામાં DEIEDનો અભ્યાસ પૂર્ણ કરેલો અથવા અભ્યાસ ચાલુ હોવા જોઈએ,
- પ્રશ્નપત્ર-2ની પરીક્ષામાં બીએડ અથવા ઈન્ટીગ્રેટેડ બીએડ, બીએસસી બીએડ કોર્સનો કરેલો હોવો જોઈએ
અમદાવાદઃ સીબીએસઈ બોર્ડની શાળાઓમાં શિક્ષક બનવા માટેની સીટીઈ (સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) 2025ની તારીખો જાહેર કરી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દેશનાં 132 શહેરમાં 8 ફેબ્રુઆરી, 2026એ ગુજરાતી સહિત 20 ભાષામાં આ ટેસ્ટ લેવાશે. ctet.nic.in વેબસાઈટ પર ઉમેદવારો રજિસ્ટ્રેશન કરી શકશે. આ ટેસ્ટમાં કુલ 2 પ્રશ્નપત્ર હશે. જેમાં પેપર -1 એટલે કે પ્રશ્નપત્ર -1 ધોરણ 1થી પાંચ માટે અને પેપર-2 એટલેકે પ્રશ્નપત્ર-2 ધોરણ 6થી આઠ માટેનુ રહેશે. પેપર-1 માટે ડીઇઆઈઈડીનો અભ્યાસ પૂર્ણ કરેલો અથવા અભ્યાસ ચાલુ હોવો જરુરી છે. જ્યારે પેપર-2 આપવા માટે બીએડ અથવા ઈન્ટીગ્રેટેડ બીએડ, બીએસસી બીએડ કોર્સનો અભ્યાસ ફરજીયાત છે.
સીબીએસઈ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષકોની ભરતી માટે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ એક્ઝામ બે શિફ્ટમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ શિફ્ટમાં પ્રશ્નપત્ર નંબર-1 સવારના 9.30થી બપોરના 12 સુધીમાં લેવામાં આવશે. બીજી શિફ્ટમાં પ્રશ્નપત્ર નંબર-2ની એક્ઝામ બપોરના 2થી સાંજના 4.30 દરમિયાન લેવાશે. સીટીઈટી ક્લીયર કરનારા લાયકાત ધરાવનારા ઉમેદવારોને સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષક તરીકે ભરતીમાં પ્રાધાન્ય અપાશે. સીબીએસઈ ટૂંક સમયમાં ટેસ્ટનો કોર્સ, એક્ઝામ પેટર્ન, ફી તેમજ અન્ય વિગતો પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાશે.
‘સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલો તેના ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ તેના નિયત ધારાધોરણ મુજબની શૈક્ષણિક-માળખાકીય સવલતો માટે વર્ષોથી ખ્યાતનામ છે. આવી સ્થિતિમાં સીટીઈટીનુ આયોજન, તેના આધારે ઉમેદવારોની લાયકાતના આધારે પસંદગીથી શિક્ષક બનવા માટેની અમૂલ્ય તક છે. આ સીટીઈટીના માધ્યમથી અનેક લાયકાત ધરાવતા ઉમદવારોને શિક્ષકની નોકરી મળશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

