- 900થી વધુ સિક્કા કલેક્શન બદલ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ‘માં સ્થાન,
- IIT પ્રેરિત‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025માં પ્રથમ ક્રમ મેળવ્યો,
- રાજ્યકક્ષાનો‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025‘ પ્રાપ્ત કર્યો
ગાંધીનગરઃ શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’,
ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ’..આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય હિતેશ પટેલ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પાલજ ગામની આ ‘સરકારી પ્રાથમિક શાળા’એ વૈશ્વિક કક્ષાએ 900થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ’વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025’માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025′ પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર ‘ક્યુરિયોસીટી કાર્નિવલ -2025’માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના 900 જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય, પીએમ વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ ‘કલેક્શન કેટેગરી’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ ‘વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ’માં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
‘પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ 2025-26નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી. પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.


