1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે
ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

0
Social Share
  • અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી
  • રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો
  • કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી પાસે હતી, પરંતુ હવે આ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગની આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે રાજ્યમાં વાર્ષિક ધોરણે થતા માપણીના કેસોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલની પદ્ધતિમાં રાજ્યકક્ષાએ લાયસન્સ ઇસ્યુ થવાને કારણે વિલંબ થતો હતો, જેના કારણે નાગરિકોના કેસો અટક્યા રહેતા અને ક્યારેક ફરિયાદો તથા ભ્રષ્ટાચારના આરોપો પણ ઉઠતા હતા. હવે જિલ્લાકક્ષાએ પ્રક્રિયા જતાં ઝડપથી લાયસન્સ આપવાની અથવા રદ કરવાની કામગીરી ઝડપી બનશે.

મહેસુલ વિભાગના ઠરાવ મુજબ કલેક્ટરને નીચેની મુખ્ય સત્તાઓ આપવામાં આવી છે. જેમાં લાયસન્સી સર્વેયરોની નવી નોંધણી મંજૂર કરવી,  નક્કી સમયમાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની બાંયધરી, રિન્યુઅલની પ્રક્રિયા અને લાયકાત ચકાસણી, લાયસન્સ રદ કરવાની કાર્યવાહી તેમજ માપણી ફી નક્કી કરીને વસૂલાત કરવી, ખાનગી સર્વેયરોને કેટલા કેસ ફાળવવાના તેની વ્યવસ્થા અને  તેમના તાલીમ, ડિપોઝિટ અને રેકોર્ડિંગની દેખરેખનો સમાવેશ થાય છે.  આ સત્તાઓ અગાઉ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક પાસે હતી. હવે જિલ્લા કલેક્ટર આ તમામ કામગીરીનું સંચાલન કરશે, જેથી જિલ્લાસ્તરે માપણીને લગતા કેસો તરત જ હલ થઈ શકે અને નાગરિકોને મહિનાઓ સુધી રાજ્ય કચેરીઓના ચક્કર ન મારવા પડે.

સૂત્રોના કહેવા મુજબ ભ્રષ્ટાચાર સામેના સખત અભિગમને ધ્યાનમાં રાખીને, નવા ઠરાવમાં પોલીસ વેરિફિકેશન અને લાયકાત ચકાસણી ફરજિયાત રાખવામાં આવી છે. કલેક્ટરને દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ જાળવવાની અને સમયાંતરે રિપોર્ટ રાજ્યને મોકલવાની ફરજ પણ સોંપવામાં આવી છે. જિલ્લાઓમાં લાગુ પડનારી આ નવી વ્યવસ્થાથી માપણીના લાખો બાકી કેસોમાં ઝડપ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જમીન સંબંધિત સેવા સમયમર્યાદામાં પૂરી પાડવી, નાગરિકોમાં વિશ્વાસ વધારવો અને વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા—સરકારના આ ત્રણેય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ નિર્ણયથી જમીન માપણીની આખી ચેઇન હવે જિલ્લાકક્ષાએ કેન્દ્રિત થશે. સરકારના મતે, કલેક્ટર જેવા જવાબદાર અધિકારી પાસે સત્તા રહેતાં પ્રક્રિયામાં જવાબદારી વધશે અને ભ્રષ્ટાચાર પર સીધી રીતે કાબૂ આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code