- અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી
- કલેકટર કચેરીમાં જીણવટભરી તપાસ પણ કંઈ મળ્યુ નહીં
- કલેકટર કચેરીએ રજુઆત માટે આવેલા અરજદારો અટવાયા
વડોદરાઃ જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ઈ-મેલમાં લખવામાં આવ્યું હતુ કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’ આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. પણ કંઈ મળ્યુ નહતું. પોલીસની તપાસ દરમિયાન કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી.
વિદેશથી કોઈ તત્વો કે સાયબર માફિયાઓ ધમકીભર્યા ઈ-મેલ કરીને ગુજરાત પોલીસની કામગીરીમાં વધારો કરી રહી છે. ગઈકાલે 18 ડિસેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગરસ કલોલ સહિતની સ્કૂલોને મળેલા ઈ-મેલમાં 1.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યે ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો. વડોદરા કલેકટર કચેરીએ ધમકીભર્યા ઈ-મેલની પોલીસ કંન્ટ્રોલરૂમને જાણ કરતા અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો દોડી આવી હતી. અને તમામ કર્મચારીઓને બહાર કાઢીને જીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પણ તપાસને અંતે કંઈ મળ્યુ ન હતું.
આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.
વડોદરા કલેકટર કચેરીમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારો અટવાયા હતા. કેટલાક ખેડૂતો વળતર માટે કલેકટરને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ બોમ્બની ધમકીને પગલે રજૂઆત કરી શક્યા ન હતા.


