1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના થોરાળા વિસ્તારમાં આગ લાગતા 16 ઝૂંપડા બળીને ખાક
રાજકોટના થોરાળા વિસ્તારમાં આગ લાગતા 16 ઝૂંપડા બળીને ખાક

રાજકોટના થોરાળા વિસ્તારમાં આગ લાગતા 16 ઝૂંપડા બળીને ખાક

0
Social Share

રાજકોટ, 26 જાન્યુઆરી 2026:  શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની લપેટમાં આવતા આશરે 16-17 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ગણતરીનાં સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો છે. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. પવનને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના ઝૂંપડાઓને પોતાની લપેટમાં લેવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. 5 ફાયર ફાઈટર સહિતના કાફલો આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દ્વારા અચાનક હોબાળો શરૂ કરી દેવામાં આવતા ફાયર ફાઈટરો માટે કામગીરી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. પરિસ્થિતિ તંગ હોવા છતાં, ફાયર વિભાગના કર્મચારીઓએ અદભૂત સમયસૂચકતા અને ધીરજ દાખવી હતી. ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો. જો ફાયર વિભાગે ત્વરિત કામગીરી ન કરી હોત તો આ આગ હજુ પણ વધુ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ શકે તેમ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ દુર્ઘટનામાં અનેક ગરીબ પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code