અમદાવાદ, 27 જાન્યુઆરી 2026: ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્વોર્ડ (એટીએસ) રવિવારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી.
ગુજરાત એટીએસએ નવસારીમાંથી ફેઝાન શેખને દબોચી લીધા બાદ આરોપીની પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી છે કે, આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યાં હતાં. હાલ એટીએસએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હથિયારો કોણે પૂરાં પાડ્યાં અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ એની તપાસ ચાલી રહી છે.
એટીએસના સૂત્રોના કહેવા મુજબ આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીના ચારપુલના રહેવાસી અને મૂળ યુપીના રામપુરના નરપત નગરના ડુંડાવાલાનો રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી, ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો. આ શખસને આતંક અને ભય ફેલાવી શકાય અને કેટલાક વ્યક્તિઓની હત્યાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. એટલે તે કોઈ મોટી ઘટના કરવાના ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે.
થોડા દિવસ પહેલા પણ ગુજરાત એટીએસે દેશની જાસૂસી કરતા બે ગદ્દારોને દબોચી પાડ્યા હતા. જેમાં એક મહિલા અને એક પુરુષ જાસૂસ હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે, આ બંને જાસૂસ અલગ અલગ જગ્યાએથી પકડાયા હતો. જેમાં મહિલા જાસૂસ દમણમાંથી અને પુરુષ જાસૂસ છેક ગોવાથી પકડાયો હતો. ત્યારે પોલીસે હાલ બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. દમણમાંથી પકડાયેલી મહિલા જાસૂસની ઓળખ રશ્માની રવિન્દ્ર પાલ તરીકે થઈ છે, જ્યારે ગોવાથી દબોચાયેલા જાસૂસનું નામ એ.કે. સિંહ હોવાનું બહાર આવ્યું છે. આ બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા, જેમાં એક જાસૂસ એ.કે. સિંહ અગાઉ સેનામાં સુબેદાર પણ રહી ચૂક્યો છે, જે અહીં પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ માટે મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.


