અમરેલી, 02 માર્ચ, 2026: જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ગુંદરણ નજીક સર્જાયો હતો. લીલીયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત રાત્રિએ બાઈક પર સવાર 4 લોકો આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, લીલીયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત રાત્રિએ બાઈક પર સવાર 4 લોકો આગળ જઈ રહેલા અજાણ્યા ભારે વાહન પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈકસવાર બે મૃતક યુવાનો ઢાંગલા ગામના કાંતિ ગોબર વિરડીયાની વાડીએ ભાગ્યા તરીકે કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરો હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના અંધકારમાં અજાણ્યા ભારે વાહનની પાછળ મોટરસાઈકલ ઘૂસી જતાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાઈક પર સવાર બાળકની તો આખી ખોપડી ફાટી ગઈ હતી અને ઉપરનો ભાગ અલગ થઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ લીલીયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. માત્ર 6 વર્ષના માસૂમ બાળક સહિત 3 લોકોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ છે. લીલીયા પોલીસે આ મામલે ગુનો નોંધી, ફરાર વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


