1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાયાં
રાજકોટના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાયાં

રાજકોટના જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાયાં

0
Social Share

રાજકોટ, 18 માર્ચ 2026: Narmada water spilled into Aaji and Nyari dams સૌની યોજના રાજકોટ શહેર માટે આશીર્વાદરૂપી બની છે, આ યોજના થકી નર્મદાના પાણીથી આજી અને ન્યારી ડેમને સમયાંતરે ભરવામાં આવતા હોવાથી ઉનાળામાં પણ શહેરીજનોને પુરતું પાણી મળી રહે છે. શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત સપ્તાહે જ રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું. બન્ને જળાશયો છલકાવવાની તૈયારીમાં છે. અને આગામી જૂન મહિનાનાં અંત સુધી શહેરીજનોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળી રહેશે.

આરએમસીના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતુ. કે, ઉનાળામાં લોકોને પાણી અંગેની કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અગાઉ જ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર પાસે ‘સૌની યોજના’ હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી, જેને પગલે અત્યારે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ બંને ડેમો 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા છે. અને જ્યાં સુધી બંને ડેમો છલકાઈ ન જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે. ત્યારે ઉનાળામાં શહેરીજનોને પુરતુ પાણી મળી રહેશે.

રાજકોટ શહેરના વસતી અને વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે પાણીની માગ પણ વધી રહી છે. ઉનાળામાં પ્રતિદિન 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના સમયગાળામાં પાણીની માંગ વધતી હોય છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. જેને લઈને ગત સપ્તાહથી બંને મુખ્ય જળાશયોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાથી આગામી દિવસોમાં આ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.

આરએમસીના વોટર વિભાગના સૂત્રોના કહેવા મુજબ, આજી-1 ડેમમાં ગઈ તા. 9 માર્ચથી નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. આજી ડેમમાં અત્યાર સુધીમાં 150 એમસીએફટી પાણીનો જથ્થો આવતા હાલ ડેમનું લેવલ 27.13 ફૂટ (800 એમસીએફટી) પર પહોંચી ગયું છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને તેમાં મહત્તમ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે. તંત્રના અંદાજ મુજબ, જે ગતિએ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. બે-ચાર દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે. જ્યારે બીજી તરફ, ન્યારી-1 ડેમમાં પણ  6 માર્ચથી નર્મદાના પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં કુલ 180 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે. હાલમાં ન્યારી ડેમની જળ સપાટી 21.25 ફૂટ સુધી પહોંચી છે, જે 834 એમસીએફટી જથ્થો સૂચવે છે. ન્યારી ડેમની કુલ ઊંડાઈ 25.09 ફૂટ છે અને તેની કુલ ક્ષમતા 1248 એમસીએફટી જેટલી છે. આમ ન્યારી ડેમ પણ ગણતરીના દિવસોમાં છલકાઇ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code