પોરબંદર, 28 ઓગસ્ટ, 2026 : Train services disrupted after a camel got stuck on a railway bridge જિલ્લાના વાંસજાળીયા-રાણાવાવ સેક્શન વચ્ચે રેલવે પુલ પરના ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે 4 લેઇટ થતાં હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગુરૂવારે વહેલી સવારે 4:45 વાગ્યે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઇલટે સમયસૂચકતાથી ટ્રેનને સમયસર રોકી લેતાં મોટી હોનારત ટળી હતી. ત્યારબાદ રેલવે વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી 4 કલાકે દોરડા-પટ્ટા બાંધીને JCBથી ઊંચકીને ઊંટનું રેસ્ક્યૂ કરાયું હતું. ત્યારબાદ રેલ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ થયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ગુરૂવારે તા.27 ઓગસ્ટના વહેલી સવારે રેલવે પુલના ટ્રેક પર એક ઊંટ બેસી ગયું હોવાની જાણ ટ્રેન નંબર 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે કરી હતી. ટ્રેનને તાત્કાલિક રોક્યા બાદ ઊંટને ટ્રેક પરથી હટાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનાને કારણે આ રૂટ પરનો રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી થંભી ગયો હતો. રેલવેના પુલ પરના ટ્રેક પરથી ઊંટને હટાવવા માટે પોરબંદર ફાયરબ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી. આ અંગે પોરબંદર ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેકના પુલ પર નબળા પતરાના કારણે એક ઊંટનો પગ ફસાઈ જતાં રેલવે વ્યવહાર ખોરવાયો હતો. સવારે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં 20 કર્મચારીઓએ ગેસ કટર અને JCBથી ટ્રેકના સડેલા પતરામાંથી ઊંટને સલામત રીતે મુક્ત કર્યું હતું. ઊંટને કોઈ ઈજા પહોંચી નથી.


