વડોદરા, 30 ઓગસ્ટ, 2026 : Unknown persons attacked the driver of a police van શહેરમાં હવે તો માથાભારે તત્વો દ્વારા પોલીસ પર હુમલાના પણ બનાવો બની રહ્યા છે. શહેરના આજવા ચોકડી પાસે મોડી રાત્રે પેટ્રોલિંગમાં નિકળેલા પોલીસવાનના ચાલકે રિક્ષામાં બેસીને મોટેથી વાતો કરી રહેલા ત્રણ શખસોને ટપારીને ઘરે જવાનું કહેતા ત્રણેય શખસોએ ઉશ્કેરાઈ જઈ પોલીસ મોબાઈલ વાનના ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી વાહનમાંથી બહાર ખેંચી કાઢી ગડદાપાટુનો ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, એક શખ્સે માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ બનાવની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં બાપોદ-1 સરકારી મોબાઈલ વાનમાં આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સંદિપભાઈ ઈશ્વરભાઈ પરમાર રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગમાં હતા. ત્યારે મોડી રાત્રે આશરે 3:30 વાગ્યાના સુમારે તેઓ આજવા રોડ પર આવેલા રાત્રી બજારના મુખ્ય ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઓટોરિક્ષામાં બેસેલા 3 શખ્સો મોટેમોટેથી બૂમાબૂમ કરી ઉત્પાત મચાવી રહ્યા હતા. જેથી સંદિપભાઈએ પોતાની ગાડી ધીમી પાડી તેમને જાહેર માર્ગ પર બૂમાબૂમ ન કરવા અને શાંતિથી ઘરે જતા રહેવા જણાવ્યું હતું. પોલીસ ડ્રાઇવરે ટકોર કરતાં જ એક શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘તું કોણ છે અમને કહેવાવાળો?’ તેમ કહી બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. જોતજોતામાં ત્રણેય શખ્સોએ ભેગા મળી ડ્રાઇવર સંદિપભાઈને કોલર પકડીને પોલીસ વાનમાંથી બળજબરીપૂર્વક બહાર ખેંચી કાઢ્યા હતા અને મુક્કા-લાતોનો માર મારવા લાગ્યા હતા. ઝપાઝપી દરમિયાન એક હુમલાખોરે નજીકમાં પડેલો લાકડાનો જાડો ફટકો ઉઠાવી સંદિપભાઈના માથાના પાછળના ભાગે જોરદાર ફટકારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. હુમલાખોરોએ જતા-જતા ‘જો હવે પછી આ બાજુ દેખાઈશ તો જાનથી મારી નાખીશું’ તેવી ગંભીર ધમકી આપી હતી. આ દરમિયાન રાત્રી બજારમાં કામ કરતા સ્થાનિક લોકો અને વેપારીઓ બૂમાબૂમ સાંભળી સ્થળ પર દોડી આવતાં ત્રણેય અજાણ્યા આરોપીઓ પોતાની રિક્ષામાં નાસી છૂટ્યા હતા. ઘટના બાદ અન્ય પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી લોહીલુહાણ હાલતમાં સંદિપભાઈને સારવાર અર્થે આજવા રોડ સ્થિત કેર નર્સિંગ હોમ એન્ડ ICU હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાપોદ પોલીસે સંદિપભાઈની ફરિયાદના આધારે ત્રણેય શખસો સામે ગુનો દાખલ કરી રિક્ષા નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


