થરાદ, 1 સપ્ટેમ્બર, 2026 : Protest against non-completion of canal work વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં કેનાલના અધૂરા કામને લીધે ખેડૂતોને સિંચાઈથી વંચિત રહેવું પડે છે. આશરે 33 કિલોમીટર લાંબી કેનાલનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું હતું. જોકે, નિર્ધારિત સમય કરતાં ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ કેનાલના કામો પૂર્ણ કરાયા નથી. જેના વિરોધમાં સુઈગામના 22 જેટલા ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ દિવાળી સુધીમાં કેનાલના કામે પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.
સુઈગામ તાલુકામાં કેનાલના કામો સત્વરે પૂર્ણ કરવા ખેડૂતો માગ કરી રહ્યા છે. દેવપુરાથી સુઈગામ સુધીની ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ કેનાલનું કામ ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં પૂર્ણ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ દેવપુરાથી સુઈગામ સુધીની આશરે 33 કિલોમીટર લાંબી કેનાલનું કામ 18 મહિનામાં પૂરું કરવાનું હતું. જોકે, નિર્ધારિત સમય કરતાં ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કેનાલનું માત્ર અંદાજે 30 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે.
સુઈગામ તાલુકામાં છેલ્લા ચાર વર્ષથી ખેડૂતો નર્મદા કેનાલના પાણીની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં વરસાદ ખેંચાવા અને પાણીની તંગી સર્જાવાને કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાણીના અભાવે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, કેનાલનું કામ પૂર્ણ કરવા અને પાણી પહોંચાડવા માટે સ્થાનિક તંત્રથી લઈને ધારાસભ્ય, મુખ્યમંત્રી તેમજ નર્મદા નિગમ સુધી 50થી વધુ વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, કેનાલનું બાકી રહેલું કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. ખેડૂતો લાંબા સમયથી પાણીની માંગ કરી રહ્યા છે, પરંતુ વારંવાર રજૂઆતો છતાં કામ પૂરું થતું નથી. ખેડૂતો હવે માત્ર આશ્વાસન અને વચનોથી સંતોષ માનવા તૈયાર નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો દિવાળી સુધીમાં કેનાલનું બાકી રહેલું કામ પૂર્ણ કરીને 22 ગામોના ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આગામી સમયમાં તમામ ગામોના ખેડૂતો એકત્રિત થઈ મોટો નિર્ણય લેશે. તેમની એક જ માંગ છે કે વચનો નહીં, હવે તાત્કાલિક કેનાલનું કામ પૂર્ણ કરી છેવાડાના ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવું જોઈએ.


