અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2026 : 6 kg of marijuana seized from a tourist woman’s handbag શહેરના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે થાઈલેન્ડથી વિયેતનામ અને ત્યાંથી અમદાવાદ આવેલી 22 વર્ષની યુવતીના હેન્ડ લગેજમાંથી 6 કરોડની કિંમતનો 6 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. મ્યાનમારની પ્રવાસી યુવતી પોતે 8500 રૂપિયાના કમિશનની લાલચે ગાંજાનો જથ્થો લાવી હોવાનું રટણ કરી રહી છે. ત્યારે પ્રવાસી યુવતી ખરેખર માત્ર ₹8,500 કમિશન માટે કેરિયર બની હતી કે તેની પાછળ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના હેન્ડલરો સહિતના લોકોનો હાથ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિયેટનામથી આવેલી એક યુવતીની હીલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ યુવતીની હેન્ડબેગ ખોલાવીને તપાસ કરતા 6 કિલો હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો હતો. એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન યુવતીના હેન્ડબેગમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. હેન્ડબેગની બંને બાજુ કાપડની નીચે પ્લાસ્ટિકમાં પેક કરેલા 10થી વધુ પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ વિભાગના ડોગની મદદ લેવામાં આવી હતી. ડોગ દ્વારા બેગમાં ડ્રગ્સ હોવાની ખાતરી થયા બાદ તપાસ કરતા અંદરથી 6 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરી મ્યાનમારની યુવતીની ધરપકડ કરી છે.
આ અંગે કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી થાઈલેન્ડ અને બેંગકોકથી અમદાવાદ આવતા મુસાફરો પાસે કસ્ટમની ખાસ નજર હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દાણચોરી માટેનો રૂટ બદલ્યો હોવાની શક્યતા સામે આવી છે. રિપબ્લિક ઓફ મ્યાનમારનો પાસપોર્ટ ધરાવતી યુવતી કસ્ટમ વિભાગને શંકા ન જાય તે માટે થાઈલેન્ડથી ગાંજો લઈને સીધી અમદાવાદ આવવાને બદલે પહેલાં વિયેતનામ ગઈ હતી અને ત્યાંથી અમદાવાદ આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ એવુ નિવેદન આપ્યુ હતું કે, ગાંજાની હેરાફેરી માટે તેને 3000 થાઈ બાથ કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે ભારતીય ચલણ પ્રમાણે ₹8,500 જેટલું થાય છે. જોકે, 6 કરોડની કિંમતનો ગાંજો લઈ આવવા આટલી નજીવી રકમનું કમિશન મળવાનું હોવાનું યુવતીનું નિવેદન કસ્ટમ અધિકારીઓને શંકાસ્પદ લાગી રહ્યું છે. આટલી મોટી કિંમતના ડ્રગ્સની હેરાફેરી પાછળ મોટું ઇન્ટરનેશનલ નેટવર્ક કાર્યરત હોવાની કસ્ટમ વિભાગને શંકા છે. યુવતી પ્રથમ વખત ભારત આવી હોવાનું અને અગાઉ પણ તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથે સંકળાયેલી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે યુવતીનો પાસપોર્ટ જપ્ત કરી તેની ધરપકડ કરી છે અને હવે તેના મોબાઈલ ફોનની તપાસ શરૂ કરવામાં આવી છે.


