સુરત, 2 સપ્ટેમ્બર, 2026 : Textile industry in crisis due to sharp increase in yarn prices શહેરનો ટેક્સટાઈલ્સ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થતાં ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાંજ યાર્નના ભાવમાં 35% સુધીનો તોતિંગ વધારો થતાં ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે.
સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે.એક તરફ કાપડની ઘરાકી નથી, તો બીજી તરફ કાર્ટેલ રચીને યાર્નમાં કૃત્રિમ તેજી ઊભી કરાતી હોવાનો વિવર્સે આક્ષેપ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી ઉદ્યોગને બચાવવા સુરત ચેમ્બર ઓફ કોમર્સે FDY, DTY અને POY યાર્ન પર ત્રણ મહિના માટે ટેક્સ મુક્તિ આપવાની માંગ કરી છે. આ સાથે જ, યાર્નના ખોટા ભાવ વધારા પર લગામ કસવા સરકારી સ્ક્વોડની નિમણૂંક કરી ભાવ નિયંત્રણ લાવવાની પણ રજૂઆત કરી છે.
ટેક્સટાઈલ ઉદ્યોગકારોના કહેવા મુજબ ફેબ્રુઆરીમાં જે યાર્ન રૂ. 110 પ્રતિ કિલો મળતું હતું, તેનો ભાવ આજે રૂ. 155 પર પહોંચી ગયો છે. 30% થી 35% નો તોતિંગ વધારો થતાં કાપડ બનાવવાની પ્રોડકશન કોસ્ટિંગ વધી ગઈ છે, જેનાથી સાડી અને ડ્રેસ મટિરિયલની પડતર કિંમતમાં રૂ. 100 થી 150 નો વધારો થયો છે. મોંઘું કાપડ વેચાતું નથી અને સામે પેમેન્ટ્સ ફસાઈ જતાં ઉદ્યોગકારો ભારે મની ક્રાઇસિસમાં સપડાયા છે. દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ સેક્ટરને મંદીના ગ્રહણમાંથી ઉગારવા માટે સરકાર તાત્કાલિક રાહત પેકેજ અને ટેક્સમાં છૂટછાટ આપે તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.


