HomeગુજરાતીગુજરાતNEP 2020 અંતર્ગત G-SQAAF ઓનલાઈન સ્વ-મૂલ્યાંકનની મુદત મંગળવાર સુધી લંબાવાઈ

NEP 2020 અંતર્ગત G-SQAAF ઓનલાઈન સ્વ-મૂલ્યાંકનની મુદત મંગળવાર સુધી લંબાવાઈ

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર, 2026 : G-SQAAF online self-assessment deadline extended રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અંતર્ગત શૈક્ષણિક સુધારાઓને વધુ સુદ્રઢ કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ‘ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ (G-SQAAF) સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માળખા હેઠળ પ્રથમ તબક્કાની ઓનલાઈન સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ, જે અગાઉ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, તેને હવે લંબાવીને ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા અમલી G-SQAAF ફ્રેમવર્કને રાજ્યની શાળાઓ, શિક્ષક સંઘો અને સંચાલક મંડળો તરફથી અભૂતપૂર્વ અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, રાજ્યની કુલ શાળાઓ પૈકી ૭૬ ટકા (૪૦,૬૭૮) શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે, જ્યારે ૧૯ ટકા (૧૦,૨૭૮) શાળાઓમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. આમ, માત્ર ૫ ટકા એટલે કે ૨,૭૧૪ શાળાઓમાં જ આ કામગીરી શરૂ કરવાની બાકી રહી છે. હાલમાં કાર્યરત અને બાકી રહેલી શાળાઓ તેમજ શિક્ષક-સંચાલક મંડળોની રજૂઆતો અને તહેવારોની રજાઓને ધ્યાને રાખી ઓનલાઈન સ્વ-મૂલ્યાંકનની આ મુદત લંબાવીને ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ કરવામાં આવી છે.

તમામ બાકી રહેલી શાળાઓએ આ લંબાવેલી મુદતમાં સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. સુધારેલી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરનારી શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા નીમાયેલા નિષ્ણાત વેરિફાયર્સ મારફતે સીધું જ બાહ્ય-મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.

શિક્ષણ સુધારાના આ મહત્ત્વપૂર્ણ SQAAF સર્વેક્ષણ/મૂલ્યાંકનમાં ન જોડાનાર શાળાઓ સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ નીચે મુજબના પગલાં લેવાઈ શકે છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ ની પ્રાથમિક શાળાઓ માટે RTE નિયમો, ૨૦૧૨ અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ હેઠળ DPEO દ્વારા શાળાની માન્યતા કાયમી ધોરણે રદ થઈ શકે છે. જ્યારે ધોરણ ૯ થી ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે GSHSEB ના નિયમો અનુસાર શાળાનું નોંધણી પ્રમાણપત્ર રદ કે સસ્પેન્ડ કરવા, બોર્ડ પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા રોકવા તેમજ નવા વર્ગો કે નવા પ્રવાહ શરૂ કરવાની મંજૂરીઓ સ્થગિત કરવા જેવા પગલાં લેવાઈ શકાય છે.

આ ફ્રેમવર્ક રાજ્યની આશરે ૫૪ હજાર તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં માત્ર શૈક્ષણિક પરિણામો જ નહીં, પરંતુ વહીવટ, અભ્યાસક્રમ, સર્વગ્રાહી મૂલ્યાંકન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશક પદ્ધતિઓ અને નેતૃત્વ જેવા બહુઆયામી ક્ષેત્રોમાં ૩૬૦-ડિગ્રી ગુણવત્તા ચકાસતું વૈશ્વિક કક્ષાનું મોડેલ છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદા૨ બનાવવા માટે તમામ બાકી રહેલી શાળાઓ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરે તે અનિવાર્ય છે. મુદત પૂરી થયા બાદ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને સૂચનાના ભંગ બદલ સંબંધિત શાળા પોતે જવાબદાર રહેશે, તેમ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA), ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular