ગાંધીનગર, 4 સપ્ટેમ્બર, 2026 : 193 dolphins in the Gulf of Kutch કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં ડોલ્ફિનની સંખ્યા વધતી જાય છે. ગુજરાત વન વિભાગ હેઠળની ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબર 2023થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કરવામાં આવેલા અભ્યાસમાં દરિયાઈ સસ્તન પ્રાણીઓમાં ડોલ્ફિન સૌથી વધુ વખત અને સૌથી વધુ સંખ્યામાં નોંધાઈ છે. સંશોધકોને કુલ 64 વખત ડોલ્ફિન જોવા મળી હતી, જેમાં 193 ડોલ્ફિનનો સમાવેશ થાય છે. તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અભ્યાસ દરિયાઈ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. રાજ્યમંત્રી પ્રવિણ માળીએ પણ ગીર ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા.
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે દક્ષિણ કચ્છનો અખાત રીફ, દરિયાઈ ઘાંસનાં મેદાનો અને ભરતી-ઓટના વિસ્તારો ધરાવતું ગતિશીલ દરિયાઈ આવાસ છે. ડોલ્ફિન માટે ભરતી-ઓટની નહેરો અને ખુલ્લા દરિયાકાંઠાના પાણી ખાસ મહત્વપૂર્ણ હોવાનું જણાયું છે.
ગુજરાત વન વિભાગ હેઠળની ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબર 2023થી ફેબ્રુઆરી 2025 દરમિયાન દરિયાઈ સસ્તન પ્રાણીઓનો અભ્યાસ કચ્છના મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી તથા તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. બોટ મારફતે કરાયેલા સર્વેમાં પરવાળાના વિસ્તારો, ભરતી-ઓટના પ્રદેશો, ટાપુઓની સીમાઓ અને છીછરા દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેવાયા હતા. સર્વે દરમિયાન 177 વખત દરિયાઈ પ્રાણીઓનું અવલોકન થયું અને કુલ 342 દરિયાઈ પ્રાણીઓ નોંધાયા હતા. આમાં ડોલ્ફિનનો હિસ્સો 36.2 ટકા રહ્યો હતો. અભ્યાસમાં ડોલ્ફિનની હાજરીના મહત્વના સ્થળો જોવા મળ્યા હતા. જેમાં નરારા રીફમાં 14 વખત, કુલ 39 ડોલ્ફિન, ડેડકા-મુંડેકા ટાપુ સમૂહમાં 12 વખત, કુલ 41 ડોલ્ફિન તેમજ પિરોટન ટાપુ પર કુલ 32 ડોલ્ફિન, ધાણી ટાપુ પર 9 વખત, કુલ 28 ડોલ્ફિન અને સિક્કાના દરિયાકાંઠો પર 8 વખત, કુલ 26 ડોલ્ફિન જોવા મળ્યા હતા. ખાસ કરીને ડેડકા-મુંડેકા ટાપુ સમૂહ ડોલ્ફિનના અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાનું અભ્યાસમાં જણાયું છે. અહીં ટાપુઓ વચ્ચેની ઊંડી રીફની સીમાઓ અને ભરતી-ઓટની નહેરોમાં ડોલ્ફિનની વારંવાર હાજરી નોંધાઈ હતી.
ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી (IFS)ના જણાવ્યા મુજબ, ડોલ્ફિન ખાસ કરીને પરવાળાના વિસ્તારો, ટાપુઓની કિનારીઓ, ભરતી-ઓટના વિસ્તારો અને ખુલ્લા પાણીમાં જોવા મળી હતી. આ વિસ્તારો ડોલ્ફિન માટે અવરજવરના માર્ગો અને ખોરાક મેળવવાના સમૃદ્ધ વિસ્તારો પૂરા પાડતા હોવાનું માનવામાં આવે છે. કચ્છના અખાતમાં મજબૂત ભરતી પ્રવાહો પોષક તત્ત્વોના મિશ્રણને પ્રોત્સાહન આપે છે. તેના કારણે માછલીઓના સમૂહો એકત્રિત થાય છે અને ડોલ્ફિનને શિકાર માટે અનુકૂળ પરિસ્થિતિ મળે છે. દક્ષિણ કચ્છના અખાતમાં ડોલ્ફિનની હાજરી આખા વર્ષ દરમિયાન નોંધાઈ હતી. વિવિધ ઋતુઓમાં સતત જોવા મળેલી ડોલ્ફિન સૂચવે છે કે તેમની વસ્તીનો ઓછામાં ઓછો એક હિસ્સો દક્ષિણ કચ્છના અખાતમાં સ્થાયી અથવા અર્ધ-સ્થાયી હોઈ શકે છે.


