Homeગુજરાતીગુજરાતસુરતમાં નશામાં ધૂત કારચાલકે પૂર ઝડપે 5 વાહનોને અડફેટે લીધા

સુરતમાં નશામાં ધૂત કારચાલકે પૂર ઝડપે 5 વાહનોને અડફેટે લીધા

સુરત, 5 સપ્ટેમ્બર, 2026 : Drunk driver hits 5 vehicles at full speed શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં દારૂના નશામાં ચકચુર થયેલા કારચાલકે ખરવરનગરથી ઉધના ત્રણ રસ્તા સુધીમાં કાર, બાઈક સહિત 5 વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કારચાલકને પકડીને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ખરવર નગરથી લઈને ઉધના ત્રણ રસ્તા સુધીના આશરે દોઢ કિલોમીટરના રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી કારે રિક્ષા, ઇકો, બે બાઇક અને મોપેડ સહિત એક પછી એક પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને પગમાં ગંભીર ફ્રેક્ચર થતાં તેમને તાત્કાલિક વેસુની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં દોઢ કિલોમીટર સુધી બેફામ દોડેલી કારની ટક્કર એટલી ગંભીર હતી કે ભોગ બનનાર વાહનોની સાથે-સાથે અકસ્માત સર્જનાર કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. એક પછી એક પાંચ વાહનોને કારે અડફેટે લેતા આસપાસ અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્યો જોઈને ઘટનાસ્થળે હાજર રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો સહિત લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું.  ઉશ્કેરાયેલા ટોળાએ કારને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને નશાબાજ કાર ચાલકને બહાર ખેંચી કાઢીને માર માર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કારના આગળના કાચ પણ તોડી નાખી ભારે હોબાળો મચાવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ 30 વર્ષીય નીરજ તિવારી તરીકે થઈ છે. આ અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને ચાલકને ટોળાના સકંજામાંથી મુક્ત કરાવી કસ્ટડીમાં લીધો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular