અમદાવાદ, 6 સપ્ટેમ્બર, 2026 : Rickshaw pullers robbed a Bihari youth શહેરમાં રિક્ષાચાલકો દ્વારા રાતના સમયે પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શટલરિક્ષામાં ગીતામંદિર એસટી બસ સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન જઈ રહેલા બિહારી યુવાનને રિક્ષાચાલક અને તેના સાગરિતે છરીની અણિએ લૂંટી લીધો હતો. આ લૂંટના બનાવની કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ લૂંટના બનાવની વિગત એવી છે કે, શહેરના કાલુપુર રેવડી બજાર પાસે રિક્ષાચાલક ગેંગે બિહારી યુવકને પેસેન્જર તરીકે બેસાડીને રસ્તામાં છરી બતાવી માર મારીને લૂંટી લીધો હતો. જેમાં યુવક બાવળાથી બસમાં ગીતા મંદિર આવ્યો ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં બેઠો હતો. આ અંગે યુવકે રિક્ષાચાલક સહિત બે શખ્સો સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાળુપુર પોલીસના સૂત્રોના કહેવા મુજબ બિહાર ખાતે રહેતા ઋષિકુમાર કહારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઋષિ બાવળાથી એસટી બસમાં બેસીને ગીતામંદિર આવ્યો હતો અને ત્યાંથી પોતાના વતન બિહાર જવા રેલવે સ્ટેશન તરફ જવા માટે રિક્ષામાં બેઠો હતો. રિક્ષામાં પહેલેથી જ એક શખ્સ પેસેન્જરના સ્વાંગમાં બેઠો હતો. રિક્ષાચાલકે ઋષિ પાસેથી રૂ. 20 ભાડું નક્કી કર્યું હતું. રિક્ષાચાલક ઋષિને લઈને કાલુપુર રેવડી બજાર પાસે પહોંચ્યો હતો. અને ચાલકે અંધારામાં રિક્ષા ઉભી રાખી હતી. રિક્ષામાં બેઠેલા બંને શખ્સોએ ઋષિને માર મારવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ છરી બતાવી ‘ચુપચાપ જે હોય તે આપી દે, નહીં તો છરી મારી દઈશ’ તેવી ધમકી આપી હતી. ડરી ગયેલા ઋષિ પાસેથી બંનેએ રૂ. 1600 રોકડા અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ત્યારબાદ માર મારી રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.


