રાજકોટ, 15 ઓક્ટોબર, 2026 : RMC’s proposal to release Narmada water visible at the bottom of Aaji-1 and Nyari-1 dams શિયાળાના આગમનને હવે એક મહિનો બાકી રહ્યો છે. ત્યારે શિયાળાના આગમન પહેલા જ શહેરના જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમના તળિયા દેખાયા છે. આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત 4000 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે. જો કે હાલ નર્મદાની કેનાલ રિપેરિંગ કામ ચાલતું હોવાથી છેલ્લા પંદર દિવસથી દૈનિક ઉપાડ જેટલો જથ્થો પણ બંધ કરી દેવાયો છે. પરિણામે, આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર 25થી 30 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે., જો તાત્કાલિક નર્મદા નીર નહીં મળે તો શહેરમાં આગામી સમયમાં પાણીની સમસ્યા ઊભી થશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે સિંચાઇની સાથે પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થશે. રાજકોટના આજી-1 અને ન્યારી ડેમના તળિયા દેખાતા દિવાળીના તહેવારો પર પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી સ્થિતિ છે. આરએમસી દ્વારા આગામી જૂન 2027 માસ સુધી ચાલે તેટલો 4000 એમસીએફટી નર્મદાનીરનો જથ્થો સૌની યોજના હેઠળ આપવાની માગ કરવામાં આવી છે. આજી ડેમની કુલ કેપેસિટી 917 એમસીએફટી (29 ફૂટ) અને ન્યારીની કુલ કેપેસિટી 1248 એમસીએફટી (25 ફૂટ) છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરની દૈનિક જરૂરિયાત અને ઉપાડ મુજબ અગાઉ 7 થી 8 એમસીએફટી નર્મદાનીર આપવામાં આવતું હતું, પરંતુ કેનાલ રીપેરીંગનું કામ ચાલતું હોવાથી છેલ્લા પંદર દિવસથી દૈનિક ઉપાડ બંધ કરી દેવામાં આવ્યો છે. આરએમસીએ ગત સપ્ટેમ્બર મહિનામાં સરકારમાં પત્ર લખીને સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ-ચાર વખત રિમાઇન્ડર આપવા છતાં હજુ સુધી સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠલવવાનું શરૂ કરાયું નથી. શહેરના બંને ડેમોમાં હાલ એકાદ મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હજુસુધી નર્મદાના નીર ક્યારથી મળશે, તેની ચોક્કસ તારીખ મળી નથી. પણ ગણતરીના દિવસોમાં નર્મદાનું પાણી ફરી શરૂ થઈ જશે. એવી તંત્રને આશા છે.


