બોડેલી, 21 ઓક્ટોબર, 2026 : Mother and son die after being hit by train છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી પોતાના ખેતરે જઈ રહેલા માતા-પૂત્રના ટ્રેનની અડફેટે મોત નિપજ્યા હતા. ખેતરમાં બપોરનું ટિફિન આપવા જઈ રહેલાં માતા અને પુત્ર સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે જૂની બોડેલીના જૈન ફળિયામાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, બોડેલી પાસે નર્મદા કેનાલના રેલવે પુલ પર ટ્રેનની અડફેટે માતા-પુત્રના મોત નિપજ્યા હતા. જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતા 65 વર્ષીય ગંજીબેન ગણપત બારીયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશ ગણપત બારીયા બપોરે ખેતરમાં ટિફિન આપવા જઈ રહ્યા હતા. ત્યારે નર્મદા કેનાલના રેલવે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ટ્રેન આવી ગઈ હતી. પુલ પરથી નીકળવાની જગ્યા ન મળતા બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માતા અને પુત્રનાં મોતને પગલે ઘટનાસ્થળે અને તેમના રહેણાક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટનાને પ્રત્યક્ષ જોના નવલસિંહ બારીયાએ જણાવ્યું કે, તેમણે દૂરથી જોયું કે ટ્રેન આવી રહી છે અને કેનાલવાળા બ્રિજ પર બે લોકો પસાર થઈ રહ્યા છે. તેઓ બ્રિજ ક્રોસ કરવા માટે દોડ્યા હતા અને દૂરથી જોતા લાગ્યું કે, તેઓ નીચે બેસી ગયા છે પરંતુ બાદમાં તેમના મૃતદેહ કેનાલમાં પડતા ખબર પડી કે તેઓ ટ્રેનની અડફેડે આવી ગયા છે.
બોડેલીમાં છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો ટ્રેન અકસ્માત છે. આ ત્રણ અકસ્માતમાં કુલ ચાર લોકોના જીવ ગયા છે. આ પહેલા 4 ઓક્ટોબરે ખજૂરિયા પાસે અને 6 ઓક્ટોબરે પાવી જેતપુર ખાતે એક-એક યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રેલવે અકસ્માતોમાં વધારો સુરક્ષા અંગે ચિંતા ઉભી કરે છે.


