ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : 251 sweet traders fined in Weights and Measures Department investigation કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા નવરાત્રી તથા દશેરાના તહેવારો દરમિયાન ગ્રાહકોને મીઠાઈ, ફરસાણ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં વજન અંગે છેતરપિંડીનો ભોગ બનવું ન પડે અને ગ્રાહકોને યોગ્ય વજન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ગત તા.૧૬ અને તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વિશેષ રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાં ૪૫૫ જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો વગેરે પર સામૂહિક ઝુંબેશ રૂપે તપાસણી કરી ગેરરીતી બદલ કુલ ૨૫૧ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને માંડવાળ ફી તરીકે અંદાજે રૂ.૫,૪૨,૦૦૦/- વસૂલ કરવામાં આવી છે.
આ ઝુંબેશ દરમિયાન કાનૂની માપવિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યની મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો પર તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નવરાત્રી-દશેરાના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટસ તેમજ અન્ય ગિફ્ટસની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમને મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટસની ખરીદીના વજનમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના હેતુથી કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટસ/ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા/નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકોને છેતરવા, વજન કાંટાનું ફેરચકાસણી/મુદ્રાકન ન કરાવવું, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવું, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે ગેરરીતિઓ સામે આવી છે. કાનૂની માપવિજ્ઞાન તંત્રએ આ રાજ્યવ્યાપી ઝુંબેશ દ્વારા તહેવારોના સમયગાળામાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા, વજનમાપમાં પારદર્શિતા જાળવવા તથા વેપારીઓ દ્વારા કાનૂની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા વિભાગે સઘન પ્રયાસો કર્યા હતા.કોઇ પણ વસ્તુના વજનમાં ઓછું આપવા તથા MRPથી વધુ ભાવ લેવા બાબતે ગ્રાહકો પોતાની ફરિયાદ માટે ગુજરાત રાજ્યની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ગ્રાહક ફરિયાદ અને માર્ગદર્શન માટે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 (NCH) નો પણ સંપર્ક કરી શકાય છે તેમ, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા જણાવાયું છે.


