Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગરમાં માલગાડીના પેટ્રોલિંયમ ટેન્કરો પાટા પરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહાર ખારવાયો

સુરેન્દ્રનગરમાં માલગાડીના પેટ્રોલિંયમ ટેન્કરો પાટા પરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહાર ખારવાયો

સુરેન્દ્રનગર, 22 ઓક્ટોબર, 2026 :  Petroleum tankers of goods train derailed  પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવારે બપોરે 13:30 કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક માલગાડીના પેટ્રોલિયમના બે ખાલી ટેન્કરો પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી. પરંતુ 2 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ કરવી પડી છે. જ્યારે 7 ટ્રેનો ડાયવર્ટ કરાતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગરના દુધરેજ નજીક મામાના મંદિર પાસે માલગાડીના બે પેટ્રોલિયમ ટેન્કર પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના રાજકોટ-સુરેન્દ્રનગર ટ્રેક પર બની હતી. પેટ્રોલિયમ ટેન્કર પાટા પરથી ઉતરવાને કારણે સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચેનો રેલ માર્ગ ખોરવાયો હતો. ભાવનગર, અમદાવાદ અને વિરમગામથી આવતી લાંબા અંતરની ટ્રેનોને અસર થઈ હતી.

રાજકોટ રેલ ડિવિઝનના અધિકારીના કહેવા મુજબ આ દુર્ઘટનામાં મુખ્ય અપ લાઈનનો પાટો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જતો તમામ ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર તરફ જતી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રાજકોટ ડિવિઝનના DRM સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાઓને હટાવવા અને ટ્રેકને ફરીથી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular