ગાંધીનગર, 8 નવેમ્બર, 2026 : Governor Acharya Devvratji extends Diwali greetings to citizens ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ગુજરાતના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દિવાળીનો આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી હાર્દિક અભ્યર્થના છે.
દિવાળીના આ પાવન અવસરે રાજ્યપાલએ નાગરિકોને સંદેશ આપ્યો છે કે, દિવાળી માત્ર દીપ પ્રજ્વલિત કરવા અને ઉત્સવ ઉજવવાનો તહેવાર નથી, પરંતુ તે આપણા જીવનમાં જ્ઞાન, વિવેક, સદ્ભાવ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવવાનો સુવર્ણ અવસર છે. આપણા ઋષિઓએ આપણને શીખવ્યું છે કે “तमसो मा ज्योतिर्गमय” અર્થાત્ આપણે અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ અને નિરાશાથી આશા તરફ આગળ વધવું જોઈએ.
આ દિવાળીએ આપણે આપણા ઘરોની સાથે-સાથે આપણા વિચારો અને વ્યવહારમાં પણ સદગુણોનો દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. સમાજમાં પ્રેમ, પરસ્પર સહયોગ અને સમરસતા વધારીને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓનું અજવાળું લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ પર્વ આપણને આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ રાખવાની અને ‘સ્વદેશી’ને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપે છે. સ્થાનિક કારીગરો, લઘુ ઉદ્યોગો, ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને ભારતીય ચીજવસ્તુઓને પ્રોત્સાહિત કરીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ.
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિને પૂજનીય માને છે. તેથી, દિવાળીનો ઉત્સવ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી સમજીને ઉજવીએ. સ્વચ્છતા, જળ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જેવા પ્રયાસો દ્વારા ધરતી માતાના પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું છે કે દિવાળીનો આ પર્વ દરેક પરિવારના જીવનમાં આરોગ્ય અને સમૃદ્ધિ લાવે, આપણા ગામો સમૃદ્ધ બને અને આપણું ગુજરાત તથા દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરે. આપણે સૌ મળીને જ્ઞાન, સંસ્કાર, સેવા અને રાષ્ટ્રપ્રેમના પ્રકાશથી એક શક્તિશાળી, સમરસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.


