વડોદરા, 13 નવેમ્બર, 2026 : Woman falls to death from third floor of flat while trying to save her child શહેરના તરસાલી વિસ્તારમાં નિશી ફ્લેટ નામના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા પરિવારમાં એક ચાર વર્ષિય બાળક રમતા રમતા બાલ્કની પાસે પહોંચી ગયું હતું. બાળક નીચે પડશે એવા ભયને કારણે તેની માતા દોડી આવી હતી. અને પોતાના બાળકને બચાવવા જતા મહિલા ત્રીજા માળેથી પડતા તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના તરસાલી વિસ્તારમાં નિશી નામના એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય દક્ષાબહેન પોતાના પરિવાર સાથે ત્રીજા માળે રહેતા હતા. તેમનું ચાર વર્ષનું બાળક સવારે રમતા-રમતા બાલ્કની પાસે પહોંચ્યું હતું. તે બાલ્કનીમાંથી નીચે પડવાની સ્થિતિમાં હતું તેવામાં દક્ષાબહેને તેને જોઈ લેતા બચાવવા દોડ્યા હતા, પરંતુ અચાનક તેઓનું જ સંતુલન બગડી જતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. આ ઘટના બાદ તરત જ આસપાસના રહીશો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીથી લથપથ મહિલાને નજીકની હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ તેમને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તાર અને સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધી આ દુર્ઘટના કયા ચોક્કસ સંજોગોમાં ઘટી તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કાળજું કંપાવી દેતા છે. ઘટનામાં મહિલા નીચે પટકાયા બાદ રોડ ઉપરથી પસાર થતી રિક્ષામાં સવાર તમામ લોકો દોડી આવ્યા હતા અને એપાર્ટમેન્ટની નીચેથી મદદ માટે લોકોને બૂમો પાડી હતી. મહિલાના પરિવારજનો તરત જ નીચે દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.








