પાટણ, 18 નવેમ્બર,2026 : Two bikers fired 6 rounds at gym owner શહેરના હાસાપુર વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ખાનગી જીમના માલિક દલપતસિંહ પરમાર પર બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસોએ 6 રાઉન્ડ ફાયરિંગ અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવમાં સદનસીબે દલપતસિંહનો આબાદ બચાવ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી 6 ખાલી કારતૂસ કબજે કર્યા છે અને FSLની મદદથી તપાસ ચાલી રહી છે. જૂની અદાવત કે જમીન વિવાદમાં આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે.
પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં મંગળવારની વહેલી સવારે ફાયરિંગની એક ઘટના બની છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને ‘શ્રેય ફિટનેસ’ના માલિક દલપતસિંહ પરમાર પર બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ હુમલામાં દલપતસિંહ પરમારને કોઈ ઈજા પહોંચી નથી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક, આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલમાં દલપતસિંહ પરમારનું ‘શ્રેય ફિટનેસ’ (જીમ) આવેલું છે. વહેલી સવારે દલપતસિંહ પરમાર જીમ ખાતે આવ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે બુકાનીધારી શખસ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ વડા, તેમજ ડીવાયએસપી પરેશ રેણુકા, LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે આજુબાજુના સીસીટીવીના કૂટેજ પણ મેળવ્યા છે.
આ બનાવ અંગે દલપતસિંહ પરમારે જણાવ્યું હતું કે હું રોજની જેમ ગાડી પાર્ક કરીને જીમ તરફ જતો હતો ત્યારે અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું, શરૂઆતમાં મને ફટાકડા ફૂટ્યા હોય તેવું લાગ્યું. ત્યાર બાદ ચાલુ બાઇક પર આવેલા શખસોએ બીજા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા. જોકે, આવા હુમલાથી હું ગભરાવાનો નથી. મેં પોલીસને જાણ કર્યા બાદ રાબેતા મુજબ મારું વર્કઆઉટ કર્યું હતું અને પોલીસ પણ તપાસમાં પૂરો સહકાર આપ્યો છે.








