ગાંધીનગર, 18 નવેમ્બર, 2026 : Tribal farmers will now get the benefit of agricultural diversification scheme રાજ્યમાં આદિજાતિ ખેડૂતોનાં વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની કૃષિ વૈવિધ્યીકરણ યોજના અતંર્ગત આદિજાતિ ખેડૂતોને ખરીફ ઋતુમાં જેમ બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવે છે એ જ રીતે ચાલુ વર્ષથી આ સહાય રવિ પાક માટે આપવામાં આવશે.
જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2026-27માં કૃષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) હેઠળ આ યોજનાનો અમલ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે આદિજાતિ ખેડૂતો પાસેથી રવિ પાક માટે સહાય મેળવવા માટે અરજીઓ મંગવવામાં આવી હતી. આ યોજના હેઠળ 48190 ખેડૂતોને લાભ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ ખેડૂત માટે કૃષિ વૈવિધ્યીકરણ યોજના વર્ષ 2012થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 15.70 લાખ આદિજાતિ ખેડૂતોને લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને બિયારણ અને ખાતરની કિટ પૂરી પાડવામાં આવે છે, જેથી આદિવાસી વિસ્તારોમાં કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય અને પાક વૈવિધ્યીકરણને પ્રોત્સાહન મળે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં આદિજાતિ વિકાસ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આદિજાતિ ખેડૂતોને ખરીફ પાકની જેમ રવિ પાકમાં બિયારણ અને ખાતરની સહાય મળે તેવી યોજના ગોઠવવામાં આવી છે . રાજ્યનાં આદિજાતિ વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં બિયારણ અને ખાતરનાં વિતરણની શરૂઆત થઇ ગઇ છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આદિવાસી ખેડૂતોને ખેતી દ્વારા તેમની આવક વધારવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ ક્ષેત્રે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.
વર્ષ 2022-23 થી કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખરીફ ઋતુ હેઠળ આદિજાતિ ખેડૂતોને મગફળી, સોયાબીન, જુવાર, ડાંગર, રીંગણ, અડદ, તુવેર, રાગી (નાગલી), ભીંડા અને બાજરી સહિતના પાકોમાંથી કોઈ એક પાકના બિયારણની સહાય આપવામાં આવે છે. પસંદ કરેલા પાક મુજબ એક એકર જમીનમાં વાવેતર માટે જરૂરી બિયારણ તથા ખાતરનો જથ્થો આપવામાં આવે છે. આ સહાયનો હેતુ ખેડૂતોના ખેતી ખર્ચનો બોજ ઘટાડવા, કૃષિ ઉત્પાદકતા વધારવા અને આદિવાસી વિસ્તારોમાં પાક વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવાનો છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મુખ્ય પાકમાં ઘઉં, ચણા અને મકાઈ પૈકી કોઈ એક બિયારણ અને તેની સાથે ટામેટા, ભીંડા અને રીંગણનું બિયારણ. ખાતરમાં (પ્રોમ 50 કિલો 1 બેગ, એમોનિયમ સલ્ફેટ -50 કિલો 1 બેગ તથા એન.પી.કે. કોન્સોર્ટિયા બોટલ) આપવામાં આવશે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મુખ્ય પાકમાં ભીંડા, ટામેટા, દૂધી, કુકંબર અને તેની સાથે રીંગણ અને બ્રોકલીનું બિયારણ. ખાતરમાં (પ્રોમ 50 કિલો 1 બેગ, એમોનિયમ સલ્ફેટ -50 કિલો 1 બેગ તથા એન.પી.કે. કોન્સોર્ટિયા બોટલ) આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ લેનાર લાભાર્થીને અમલીકરણ સંસ્થા દ્વારા ખેતી અંગેની તાલીમ, માર્કેટ લીંકેજની સેવાઓ તેમજ ફોન અને મેસેજ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.








