ગાંધીનગર, 24 નવેમેબર, 2026 : GCERT’s initiative to develop life values in children through the Indian knowledge system રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) દ્વારા બાળકોમાં મૂલ્યશિક્ષણની સમજ કેળવાય, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જાગે તેમજ સદગુણો અને જીવનમૂલ્યોનો વિકાસ થાય તેવા વિશેષ અભિગમ સાથે GCERT, ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી પહેલ હાથ ધરવામાં આવી છે.
શાળાઓમાં યોજાતા આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની વિવિધ પ્રવૃત્તિઓ માટે પૂરક શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓના માધ્યમથી ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો સાથે જોડવાની તક મળે તે આ કામગીરીનો વિશેષ હેતુ છે.
તા. 20 નવેમ્બર, 2026ના GCERTના પરિપત્ર દ્વારા આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (DIET)ને આપવામાં આવી છે. આ કામગીરીના સુચારુ આયોજન અને અમલીકરણ માટે દરેક DIET ખાતે એક અધ્યાપકને જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પહેલ અંતર્ગત દરેક જિલ્લાએ પોતાના ઐતિહાસિક વારસા, સંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકકલા, મહાનુભાવો, પરંપરાઓ અને સ્થાનિક જ્ઞાનને આવરી લેતું પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવાનું રહેશે. આ કામગીરીમાં શિક્ષકો અને વિષય નિષ્ણાતોનો સહયોગ લેવામાં આવશે. વર્ષ 2027-28 સુધીમાં આ સાહિત્ય તૈયાર કરી તેનું અમલીકરણ કરવાનું આયોજન છે. આ સમગ્ર કામગીરી ડૉ. અવનીબા મોરી (શૈક્ષણિક નિયામક, GCERT, ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, નૈતિક મૂલ્યો, સંસ્કાર અને સદગુણોનું સિંચન કરી મૂલ્યનિષ્ઠ અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા રાજ્યના તમામ શિક્ષકો અને DIETના અધ્યાપકોને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.








