અમદાવાદ, 29 નવેમ્બર,2026 : Sunday on Cycle at Kankaria Lake ‘ફિટ ઇન્ડિયા – સંડે ઑન સાયકલ’ પહેલની ઐતિહાસિક 100મી આવૃત્તિની રવિવારે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘ઇન્ડિયા રેડી ફોર ઓલિમ્પિક્સ’ની રાષ્ટ્રીય થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 3,500થી વધુ સાયકલિંગ પ્રેમીઓ અને ફિટનેસ પ્રત્યે જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશભાઈ બારોટ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ તથા AMC કમિશનર બંછાનિધિ પાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પેરા-એથ્લેટ દીપેશ કુમાર, સુશ્રી બિજલી જોશી, સુશ્રી ગીતા રાવ, નિલેશ બારોટ તથા ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર સુશ્રી નિશા કુમારી અને સુશ્રી ઉર્વી સહિતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ અને મહાનુભાવો પણ સહભાગી થયા હતા.
કાર્યક્રમમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), નેશનલ સર્વિસ સ્કીમ (NSS), MY Bharatના પ્રતિનિધિઓ સહિત બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વહેલી સવારે આયોજિત ઇન્ટરેક્ટિવ ગેમ ઝોનમાં વિવિધ રમતો દ્વારા સહભાગીઓએ બાળપણની યાદો તાજી કરી હતી, જેનાથી આ આયોજન સામૂહિક ફિટનેસ અને આનંદના ઉત્સવમાં પરિવર્તિત થયું હતું.
મહાનુભાવોએ નાગરિકોને સાયકલિંગ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. મેયર હિતેશભાઈ બારોટ અને સાંસદ હસમુખભાઈ પટેલે ખાસ કરીને યુવા પેઢીને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરી નાગરિકોની ભાગીદારીને બિરદાવી હતી. AMC કમિશનર બંછાનિધિ પાનીએ હજારો સાયકલ સવારોની હાજરીને શહેરમાં વધતી ફિટનેસ જાગૃતિનું પ્રતીક ગણાવી હતી.
ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગરના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહે 100 આવૃત્તિઓની સફળતા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના વધતા વ્યાપ પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે પેરા-એથ્લેટ દીપેશ કુમારે ગ્રાસરૂટ સ્તરે વિકસી રહેલી માળખાકીય સુવિધાઓના આધારે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ તથા પેરાલિમ્પિક્સ માટે ભારતની સજ્જતા અંગે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ઉજવણી દરમિયાન “Fit India leads the way towards Olympic aspirations” અને “CWG KI BAARI HAI, OLYMPICS KI TAIYAARI HAI!”ના નારા સાથે એક વિશેષ અભિયાન વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે ફિટનેસની સંસ્કૃતિ થકી ઓલિમ્પિક સફળતાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો.
SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા ગુજરાત અને રાજસ્થાનના કુલ આઠ સ્થળોએ એકસાથે આ 100મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના કાંકરિયા તળાવ ઉપરાંત વડોદરાની આનંદ વિદ્યાવિહાર સ્કૂલ, સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ભાવનગરમાં વોટર ટેન્ક ખાતે તથા જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ, અલવરની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય (મોતી ડુંગરી), જોધપુરના SAI તાલીમ કેન્દ્ર અને બીકાનેરની કલેક્ટર કચેરી ખાતે સાયકલિંગ કાર્યક્રમો યોજાયા હતા.








