
મધ્યપ્રદેશમાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, આઠ વ્યક્તિના મોત
ભોપાલઃ મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક ટ્રક અને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) વચ્ચે થયેલી ટક્કરમાં આઠ લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી તિવારીએ સોમવારે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 2.30 વાગ્યાની આસપાસ સિદ્ધિ-બહરી રોડ પર ઉપની પેટ્રોલ પંપ પાસે બની હતી. એક પરિવારના સભ્યો કારમાં મૈહર તરફ લઈ જઈ રહ્ હતા દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અધિકારીએ જણાવ્યું કે એસયુવીમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 14 ઘાયલોમાંથી નવને વધુ સારવાર માટે રેવા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અન્ય લોકોની સારવાર સીધી જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે, SUVમાં સવાર લોકો એક બાળકના ‘મુંડન’ સમારોહ માટે મૈહર જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે SUV ખોટી દિશામાંથી આવી રહી હતી, જેના કારણે ટક્કર થઈ હતી. એસપીએ જણાવ્યું હતું કે અધિક પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે, જે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અકસ્માતની તપાસ કરશે.
મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્યમંત્રી વિવેકાધીન ભંડોળમાંથી પ્રત્યેકને રૂ. 2 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને રૂ. 1 લાખ અને અન્ય ઘાયલોને રૂ. 50,000 ની નાણાકીય સહાય મંજૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે.”