ડાકોર, 02 માર્ચ, 2026: Devotees thronged to have darshan of Ranchhodraiji in Dakor સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ફાગણી પૂનમના દર્શન માટે અમદાવાદ સહિત દુર દુરથી પદયાત્રીઓ ડાકોર પહોંચતા હોય છે. આજે સવારથી ડાકોરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે “જય રણછોડ, માખણ ચોર” ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પડાયાત્રીઓ માટે રોડ પર ઠેર ઠેર સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે. ડાકોરમાં રણછોડરાયજીના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. યાત્રિકોની સલામતી માટે પોલીસનો પણ પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ફાગણી પૂનમને લઈ યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. તમામ લોકો સરળતાથી રાજાધિરાજના દર્શન કરી શકે તે માટેની તમામ તૈયારીઓ ટેમ્પલ કમિટી દ્વારા કરી દેવામાં આવી છે. ભવ્ય ઉત્સવને લઈ મંદિર સજ્જ બન્યું છે. રણછોડરાયજી મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક રોશની અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે.
ડાકોરમાં ફાગણી પૂનમની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઊજવણી કરવામાં આવે છે. આજે સવારથી વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉમટી રહ્યા છે. રણછોડરાયજીના સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવ્યું છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને જોઈને પ્રફુલ્લિત બની રહ્યા છે. અમદાવાદથી ડાકોર તરફ જતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. વહેલી સવારથી જ રાસ્કા ચેકપોસ્ટથી લઈને ડાકોર સુધીના સમગ્ર માર્ગ પર પગપાળા જતા શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપૂર ઊમટી પડ્યું છે. પદયાત્રીઓ હાથમાં ધજાઓ લઈને અને મુખેથી “જય રણછોડ, માખણ ચોર” ના ગગનભેદી નાદ સાથે ફાગોત્સવમાં જોડાવા માટે ભારે થનગનાટ સાથે ડાકોર મંદિર પહોંચી રહ્યા છે. (File photo)


