અમદાવાદ, 22 મે, 2026 : A massive fire in a closed house in Jivraj Park શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા ‘સહજાનંદ ટાવર’ના એક બંધ મકાનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે સમગ્ર ફ્લેટ અને આજુબાજુના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પર આવેલા સહજાનંદ ટાવરના એક બંધ ફ્લેટમાંથી આજે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરનો કાફલો પહોંચે તે પહેલા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ફ્લેટની અંદર રાખેલો કિંમતી સામાન, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે. ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ બિલ્ડિંગમાં રેસ્ક્યુ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગે આગ પર પૂરેપૂરો કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમે સમયસર કામગીરી કરતાં આગ અન્ય ફ્લેટ કે આખી બિલ્ડિંગમાં ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગી તે મકાન સંપૂર્ણપણે બંધ હતું. જેના કારણે આટલી મોટી અને ભીષણ આગ લાગવા છતાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા શોર્ટ સર્કિટના કારણની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


