
- ફટાકડાની લારી લગાવવાની ના પડતા ટોળાંએ પથ્થરમારો કર્યો,
- ચાંદખેડા પોલીસમાં 8 શખસો સામે ફરિયાદ નોંધાઈ,
- પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં ફટાકડાની લારી ઊભી રાખવાની પાડતા થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ એક મકાન પર પથ્થરમારો કરીને તોડફોડ કરતા મામલો બીચક્યો હતો. દરમિયાન યુવક ટોળા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પરત આવતો હતો ત્યારે ટોળાએ ફરીથી રોકીને હુમલો કરીને મોઢા પર પથ્થર મારી દીધો હતો. ટોળાએ મકાનની બહાર પડેલા સામાનને પણ તોડફોડ કરી દીધી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વિવેકાનંદનગરમા રહેતા વૈભવ નાયકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જયેશ, ધર્મેશ, જયેશ સંજય પટણી, સાહિલ, બે મહિલા સહિત આઠ લોકો વિરૂદ્ધ પથ્થ્થરમારાની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વૈભવ સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરેથી મોટર રીવાઈડીંગનો ધંધો કરે છે. વૈભવના ઘરની બહાર એક મહિલા ફૂલની લારી ઉભી રાખીને ધંધો કરતી હતી દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને મહિલાને ફુલની લારી હટાવીને પોતે ફટાકડાની લારી લગાવવાનું કહ્યુ હતું. મહિલાએ પોતાની લારી હટાવવાનો ઈન્કાર કરતા મામલો બીચક્યો હતો.અજાણ્યા શખસોએ મહિલાને જેમફાવે તેમ બોલવાનું શરૂ કર્યુ હતું. વૈભવના પિતા ઘરની બહાર આવ્યા હતા અને ઝઘડાનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. વૈભવના પિતાએ મહિલાને તેમજ અજાણ્યા શખ્સોને લારીઓ ઉભી રાખવા માટેનો ઈન્કાર કરી દીધો હતો. આથી ઉશ્કેરાયેલા ટોળાઓએ વૈભવના ઘર પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. વૈભવ અને તેનો પરિવાર ઘરની અંદર જતો રહ્યો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો.તેમ છતાંય અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરવાનું ચાલુ રાખ્યુ હતું. વૈભવની સ્કુટી, બે ગ્રેવી મશીન, તેમજ પાણીની મોટર સહિતની ચીજવસ્તુઓ ટોળાએ તોડી નાખી હતી. વૈભવે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો જેથી પોલીસની ટીમ આવી હતી. વૈભવ તેના પિતા અને ભાઈને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે પહોચ્યો હતો. વૈભવનો ભાઈ પોલીસ ફરિયાદ કરીને આવતો હતો ત્યારે ટોળાએ તેને રોકીને મારમાર્યો હતો અને મોઢા પર પથ્થરમારીને લોહીલુહાણ કરી દીધો હતો.વૈભવના ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.