
- ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવવામાં આવ્યો હતો
- ડ્રગ્સની ડિલિવરી લેવા કોઈ આવે તે પહેલા પોલીસે યુવતીને પકડી પાડી
- અગાઉ પણ આવી રીતે સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાની શંકા
નવસારીઃ ગુજરાતમાં ડ્રગ્સની બદી વધતી જાય છે. યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે ગુજરાત પોલીસ સખ્તાઈથી પગલાં ભરી રહી છે, ડ્રગ્સનો કારોબારને નષ્ટ કરવા પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સુરત-નવસારી હાઇવે પર રોડ પર ઉભેલી એક નાઇજેરિયન યુવતીને સ્ટેટ મોનિટરિ઼ગ સેલે રૂ. 1.50 કરોડના 150 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. આ નાઇજેરિયન યુવતી મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલીવરી માટે આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમી મળી હતી કે, એક નાઇજેરિયન યુવતી સુરતમાં ડ્રગ્નની ડિલિવરી કરવા માટે આવવાની છે અને તે નવસારી-સુરત વચ્ચે હાઇવે પર ડિલિવરી આપવા માટે ઉભી રહેવાની છે. પોલીસની અલગ-અલગ ટીમોએ આ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન નાઇજેરિયન યુવતી રોડની સાઇડમાં ઉભેલી દેખાઈ હતી. મહિલા પોલીસને સાથે રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે આ યુવતીની ઝડતી લેતાં તેની પાસેથી 1.50 કરોડની કિંમતનું 150 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની પૂછપરછ કરતાં તેણીએ પોલીસને જણાવ્યું હતું કે, હું તો માત્ર ડિલિવરી કરવા માટે જ આવી હતી. ડિલિવરી લેવા કોણ આવવાનું હતું તે મને ખબર નથી. મને તો લોકેશન સાથે એટલી જ સૂચના આપવામાં આવી હતી કે લોકેશન પર જઇને ઉભા રહી જવાનું છે એટલે ડ્રગ્સ લેવા માટે કોઈ આવી જશે. આ ડ્રગ્સ મુંબઈથી લાવવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ નાઈજેરિયન યુવતીને ડ્રગ્સ કોણે આપ્યું તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેની પાસેથી પોલીસને એક મોબાઇલ પણ મળી આવ્યો છે જેના સીડીઆરના આધારે યુવતી કોના-કોના સંપર્કમાં હતી તેની પણ તપાસ કરવામાં આવશે. યુવતી પાસેથી પોલીસે નાઇજેરિયન પાસપોર્ટ પણ કબજે લીધો છે. ગત મોડીરાત્રે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈથી આવેલી આ યુવતી પોલીસને શરૂઆતમાં ગોળગોળ જવાબ આપતી હતી. તે જે કારમાં આવી હતી તે ઓલા કેબ હતી. પોલીસે ડ્રાઇવરની પણ પૂછપરછ કરી હતી. જેમાં ખબર પડી હતી કે તે મુંબઈથી આવી હતી. મુંબઈમાંથી કયા વિસ્તામાંથી તે કારમાં બેસી હતી અને તે વખતે તેની સાથે કોણ કોણ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.