1. Home
  2. ગુજરાતી
  3. વ્યક્તિની ઓનલાઇન એક્ટિવિટી એની ડિજિટલ ઓળખને આકાર આપતી હોય છે
વ્યક્તિની ઓનલાઇન એક્ટિવિટી એની ડિજિટલ ઓળખને આકાર આપતી હોય છે

વ્યક્તિની ઓનલાઇન એક્ટિવિટી એની ડિજિટલ ઓળખને આકાર આપતી હોય છે

0
Social Share

સલામત અને અસલામત ઓનલાઇન સિસ્ટમ વચ્ચેનો તફાવત સમજાય એ જરૂરી

આજના યુગની સ્થિતિ અજીબ છે. આપણા બાળકોની સૌથી મોટી ઉપલબ્ધિની સાથે સાથે સૌથી મોટી ચિંતાનું કારણ પણ એ છે કે, આ બાળકો ઇન્ટરનેટ યુગમાં ઉછરી રહ્યા છે. હિન્દુસ્તાનમાં જે લોકો જીવનના પાંચથી છ દાયકાઓ વિતાવી ચૂક્યા છે એ જનરેશને સૌથી રોમાંચક અને આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થવુ પડ્યું છે. આ જનરેશનના લોકો જન્મ્યા ત્યારે રેડિયો માંડ આવ્યો હતો. ત્યારબાદ બ્લેક એન્ડ વાઈટ ટેલિવિઝન આવ્યા પછી કલર ટીવીનો યુગ દેખાયો. વીસીઆર, ઓડિયો કેસેટ થઈને ચકરડાવાળા ટેલીફોનથી લઈને પુશ બટનવાળા ફોન અને પછી કોડલેસ ફોન આવ્યા. અને એ પછી સેલફોન અને સ્માર્ટ ફોન દેખાયા. ૨૧મી સદીના પ્રારંભમા ફેસબુક અને ઇન્સટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ખબર પડી. એના પછી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ઑગમેન્ટેડ રિયાલિટીનો યુગ આવ્યો છે. કેટલા બધા ટેકનોલોજીકલ બદલાવ ભારતની આ જનરેશને જોયા છે !

એ સમયે હવે બહુ દૂર નથી કે, માણસનું સ્થાન મશીનો લઈ લેશે. અગમેન્ટેડ રિયાલિટીની દુનિયાના ધુરંધર એવા સેમ ઓલ્ડમેને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચેટજીપીટી-ફોરને આજે લોકો ખૂબ અદભુત ઇન્વેશન કહીને નવાજી  રહ્યા છે એને માત્ર બે વર્ષમાં હાસ્યસ્પદ માનવા લાગશે. આ અત્યંત પ્રાથમિક ટેકનોલોજી છે એમ સેમ કહે છે. એક અર્થમાં ૫૦ થી ૬૦ વર્ષના લોકોની ભારતની આ જનરેશન ખૂબ નસીબદાર પણ છે. એમણે ઇન્ટરનેટ અને ટેકનોલોજીકલ કમાલના આ બધા આયામો નજરે જોયા છે અને અનુભવ્યા છે. પરંતુ જેમ નવા પ્રવાહો આવે એમ નવા અંતરાયો અને જોખમો પણ આવે જ. પહેલા ઘરફોડ ચોરીઓ થતી અને લગન કરવા જતી જાન લૂંટાતી પછી બેંકો અને ઝવેરીઓની દુકાનો લૂંટાવવા લાગી. ઇન્ટરનેટ અને સાઈબર વર્લ્ડ વિકસતા હવે સાયબર થેફ્ટના કિસ્સાઓ જોવા મળે છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે અને જેમ કોઈપણ સાધનનો સાચવીને ઉપયોગ કરવામાં આવે એ જ રીતે કાળજીપૂર્વક એનો ઉપયોગ થાય તો જ મજા છે.

વ્યક્તિની ઓનલાઇન એક્ટિવિટી એની ડિજિટલ ઓળખને આકાર આપતી હોય છે. એટલા માટે જેમ બોલતા પહેલા વિચારો એમ કહેવાય છે એવી જ રીતે ઓનલાઇન કશું પણ ક્લિક કરતા પહેલા વિચારવાની વાત ફસામણી થતી અટકાવી છે. આ સલામતીનું પહેલું અને મજબૂત પગલું છે. ગેરાલ્ડ ફોર્ડ કહે છે કે, સલામતી અને સુરક્ષા એ કંઈ આપોઆપ અને આકસ્મિક નથી હોતી એની માટે જાગૃત પ્રયાસો આવશ્યક હોય છે. ઓનલાઇન સેફટી માટેનું શ્રેષ્ઠ કોઈ ફિલ્ટર હોય તો એ વ્યક્તિનું વિચારશીલ મન છે. વૈચારિક રીતે ફિલ્ટર ન થયેલું મન તાળા વગરના દરવાજા જેવું હોય છે. ગમે ત્યારે ગમે ત્યાં ક્લિક કરીને એ આસાનીથી ફસાઇ જાય છે.

પુલક ત્રિવેદી

હવે ઇન્ટરનેટ માત્ર મનોરંજન પુરતું મર્યાદિત નથી રહ્યું. એ રોજિંદા જીવન માટે અનિવાર્ય અંગ પણ બની ગયું છે. કપડા, ગ્રોસરી, ફર્નિચર વગેરે લેવા છે તો એમેઝોન, મિત્રા જેવી અનેક એપ વ્યક્તિની આંગળીના ટેરવે છે. કોઈ પુસ્તક વાંચવું છે, ફિલ્મના રીવ્યુ જોવા છે, હોલીવુડની કોઇ ફિક્શન ફિલ્મ જોવી છે તો ઢગલો એપ મળે છે. રસોઈ બનાવવાવાળાની કે સફાઇ કરવાવાળાની જરૂર છે, કે પછી વોચમેન જોઈએ છે, નાસ્તો જોઈએ છે કે જમવાનું જોઈએ છે આ તમામ બાબતો માટે ઓનલાઈન એપ ઉપલબ્ધ છે. બહાર જવું છે તો ઓલા અને ઉબર જેવી સર્વિસીસ પણ ઉપલબ્ધ છે. ઇન્ટરનેટે વ્યક્તિનો સમય અને શક્તિ ચોક્કસ રીતે બચાવી દીધા છે પરંતુ ઓનલાઇન સાવચેતી સાથે સુરક્ષા માટે પણ સજાગ રહેવું એટલું જ જરૂરી છે. જગતમાં ઓનલાઈન બ્રાઉઝિંગ માટે સૌથી સુરક્ષિત દેશોમાં એસ્ટોનિયા, આઇસલેન્ડ, કેનેડા અને જર્મનીનો સમાવેશ થાય છે.

ઇન્ટરનેટ ટેકનોલોજીના વ્યાપ સામે આજે જનતાને સલામત અને અસલામત ઓનલાઇન સિસ્ટમ વચ્ચેનો તફાવત સમજાવવાની તાતી જરૂર ઊભી થઈ છે. જ્યારે સાર્વજનિક વાઇફાઇનો ઉપયોગ કરવામાં આવે ત્યારે VPN અને ફાયર વોલ જેવા મજબૂત સુરક્ષાત્મક પગલાં લેવાય એ જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર સમયાંતરે નિયમિત રીતે અપડેટ કરવાનું ચૂકવું ન જોઈએ. વ્યક્તિએ એના તમામ ઓનલાઈન એકાઉન્ટના પાસવર્ડ મજબૂત રાખવા જોઈએ. પોતાની વ્યક્તિગત અને સંવેદનશીલ વિગતો ઓનલાઈન શેર ક્યારેય ન કરવી જોઈએ.

ટેકનોલોજી અને ઇન્ટરનેટના સલામત અને સુરક્ષિત ઉપયોગ પ્રતિ જાગૃતિ આણવા પ્રતિ વર્ષે ફેબ્રુઆરી તારીખ ૧૧ ના રોજ SID એટલે કે સેફર ઈન્ટરનેટ ડેની જગતના 180 દેશોમાં ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2025માં ‘ટુ ગુડ ટુ બી ટ્રુ’ના થીમ ઉપર SID ઉજવવામાં આવી રહ્યો છે. ઓનલાઇન થતા કૌભાંડો વિષે લોકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત સલામત ઇન્ટરનેટના ઉપયોગને પ્રેરણા આપવામાં આ દિવસની ઉજવણી મહત્વનો ભાગ ભજવતી હોય છે. સેફર ઇન્ટરનેટ ડેનો ઇતિહાસ માત્ર બે દાયકા પુરાણો છે. વર્ષ ૨૦૦૪માં ઇયુ સેફ બોર્ડસ પ્રોજેક્ટ દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. એ પછી ઇન સેફ નેટવર્ક દ્વારા એને દર વર્ષે ઉજવવાનો કાર્યક્રમ તરીકે આગળ લઈ જવાયો. મહત્વની વાત તો એ પણ છે કે આ દિવસે સરકારો, શિક્ષકો, માતા-પિતા, ટેક કંપનીઓ અને નવયુવાનો સાથે મળીને સુરક્ષિત અને સારી ઓનલાઇન દુનિયા બનાવવા માટે સહિયારો પ્રયાસ કરવા આગળ આવે છે. સુરક્ષિત, નૈતિક અને જવાબદારીપૂર્વક ઇન્ટરનેટના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં SID નક્કર કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

હવે પ્રશ્ન એ થાય કે, સેફર ઈન્ટરનેટ ડેના દિવસને ઉજવવો કેવી રીતે ? આ સંદર્ભમાં ટેકનોક્રેટ્સ કહે છે કે, સેફ સાયબર યુઝ અને એલર્ટ ઓન સાઇબર ફ્રોડના વિષય ઉપર વિવિધ વર્કશોપ અને વેબિનાર યોજી શકાય. અનાથી લોકોમાં વ્યાપકપણે જાગૃતિ આવી શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર સલામત સાઇબર સુરક્ષા અંગે ઝુંબેશ ચલાવી શકાય. આની સાથો સાથ ન્યુઝ ચેનલો ઉપર ટેકનીકલ તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશનથી લોકોમાં અવેરનેસ લાવી શકાય. શાળાઓમાં, કોલેજોમાં અને ચોરે ને ચૌટે નુક્ક્ડો ઉપર પણ ચર્ચાઓ અને વર્કશોપ યોજીને લોકોને જાણકારી આપી શકાય. ડિજિટલ સાક્ષરતા અંગે તજજ્ઞોના વક્તવ્યોનું આયોજન કરી શકાય. સક્સેસ સ્ટોરીને પણ મહત્તમ રીતે લોકો સુધી પહોંચાડી શકાય. સાઇબર સુરક્ષા સંસાધનો વિશે જાણકારી આપી વિનામૂલ્યે એનું વિતરણ પણ કરી શકાય. પોસ્ટર મેકિંગ સ્પર્ધા કે ફોટો કોમ્પીટીશન, રોલ પ્લે, ગેમ ડિઝાઇન વગેરે પણ કરી શકાય. આ કેટલીક મહત્વપૂર્ણ એક્ટિવિટી પ્રતિ અંગુલી નિર્દેશ માત્ર છે. આ ઉપરાંત પણ ઘણું બધું કામ આ દિશામાં યોજી શકાય.

સુરક્ષિત રહેવાય એ જ સૌથી મોટી સ્માર્ટનેસ કહેવાય. કંઈ પણ ક્લિક કરો ત્યારે એ મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે ઇન્ટરનેટ ક્યારેય કોઈપણ સંદર્ભ ભૂલતું નથી. પાસવર્ડ વ્યક્તિની સૌથી મોટી સુરક્ષાની માસ્ટર કી છે. જેમ આગ અને પાણી એક ગજબની શક્તિ છે અને એનો સુરક્ષિત અને રચનાત્મક ઉપયોગ ઉત્તમ પરિણામો આપી શકે છે અને જો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો ભયાનક તારાજી પણ સર્જી શકે છે. એ જ પ્રમાણે ઇન્ટરનેટ પણ ગજબની મહાશક્તિ છે. એનો વિચારપૂર્વકનો સલામત ઉપયોગ સરસ પરિણામો લાવી શકે છે પરંતુ એનો બેજવાબદારીપૂર્વકનો ખોટો ઉપયોગ ખતરનાક અને ઘાતક નીવડી શકે છે. ૧૧ ફેબ્રુઆરીએ દર વર્ષે યોજતા સેફર ઈન્ટરનેટ ડેની ઉજવણી સલામતી અને સુરક્ષાની દિશામાં જાગૃતિ અને પ્રેરણાનો સંદેશ લઈને આવે છે.

ધબકાર :

ટેકનોલોજી જગતને જોડવાનું કામ જરૂર કરે છે પરંતુ એનો આંધળો ઉપયોગ નિશ્ચિતપણે ખાનાખરાબી સર્જે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code