1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના ઈંગોરાળા ગામે નકલી દૂધનો જથ્થો અને જુનાગઢથી શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડાયું
અમરેલીના ઈંગોરાળા ગામે નકલી દૂધનો જથ્થો અને જુનાગઢથી શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડાયું

અમરેલીના ઈંગોરાળા ગામે નકલી દૂધનો જથ્થો અને જુનાગઢથી શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડાયું

0
Social Share

અમરેલી- જૂનાગઢ,15 માર્ચ 2026: Fake milk seized રાજ્યમાં નકલી દૂધ બનાવવાનો કારોબાર પણ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ તેમજ ફુડ અને ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યો છે. અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી બનાવટી દૂધનો મસમોટો જથ્થો ઝડપાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાંથી પણ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ટેન્કરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. આ બંને જગ્યાએથી મળેલા દૂધના સેમ્પલને એફએસએલમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અમરેલીના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે રહેણાક મકાનોમાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ બે રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધ મળી આવ્યું છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં મોડી રાતે દરોડો પાડીને બનાવટી શંકાસ્પદ દૂધ 220 લીટર, દૂધ બનાવવાનો પાઉડર 214 કિલો તેમજ દૂધ બનાવવા ઉપયોગમાં લેવાતું 43 કિલો ઉપરાંત વનસ્પતિ તેલ મળી આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત દૂધના જથ્થાનો રાતે જ નાશ કરાયો છે. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી છે.

 આ પહેલા પણ અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાંથી નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો. થોડા દિવસો પહેલા ખીજડિયા ગામમાં 10 હજાર લીટર નકલી દૂધ ઝડપાયું હતું. FSLના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરમાંથી દૂધના નમૂનાઓ એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા તો એફએસએલના રિપોર્ટમાં સ્પષ્ટપણે નકલી દૂધ હોવાનું સામે આવ્યું હતું. એફએસએલ રિપોર્ટ અનુસાર, દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમિકલ્સનું મિશ્રણ કરાતું હતું. આ રીતે બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.

બીજા બનાવમાં જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં આજે વહેલી સવારે બાતમીના આધારે એક શંકાસ્પદ દૂધના ટેન્કરને અટકાવ્યું હતું. આ ટેન્કરમાં અંદાજે 8,000 લિટર દૂધનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ દૂધ શંકાસ્પદ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ટેન્કર અટકાવ્યા બાદ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક કાળવાચોક પહોંચી ગયો હતો અને ટેન્કરને કબજે કરીને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. આ દૂધ લેરિયા ગામની ‘કનૈયા ડેરી’ માંથી આવતું હોવાની પ્રાથમિક વિગતો મળી છે. આ દૂધનું સેમ્પલ તપાસ માટે ફૂડ વિભાગે FSLમાં મોકલવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code