અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાઈવે પર વાહનોમાં આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઈટને લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ઘણી લકઝરી બસો પર ચારથી પાંચ સફેદ એલઈડી લાઈટ્સ લગાવેલી જોવા મળતી હોય છે. આથી હવે સફેદ એલઈડી લાઈટ સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યભરમાં આવી ગેરકાયદે લાઈટો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં ભારે દંડ અને જેલ સુધીની સજાની જોગવાઈ છે.
ગુજરાતમાં હાઈવે પર તેમજ શહેરી વિસ્તારોમાં પણ વાહનો પર સફેદ એલઈડી લાઈટ્સને લીધે રાતના સમયે અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ તમામ RTO ને આદેશ આપ્યા છે કે ગેરકાયદે મોડિફાઈડ લાઈટો ધરાવતા વાહનોને ડિટેઈન કરવા, વાહન માલિકો પાસેથી તોતિંગ દંડ વસૂલવો અને વારંવાર નિયમ ભંગ કરનારાના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરીને કડક પગલાં ભરવા. આથી ગુજરાતભરમાં વાહનો પર એલઈડી મોડીફાઈડ કરેલી લાઈટ્સ સામે ઝૂંબેશ ઙાત ધરવામાં આવશે.
આરટીઓના સૂત્રોના કહેવા મુજબ વાહનચાલકોમાં કંપની ફિટેડ હેલોજન (પીળી) લાઈટ્સ હટાવીને આફ્ટર-માર્કેટ તેજ સફેદ એલઈડી લાઈટો લગાવવાનો ક્રેઝ વધ્યો છે. આ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોને ક્ષણિકભરમાં અંધ કરી દે છે (Glaring Effect). જેના કારણે સામેથી આવતા ચાલકને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. ક્ષણિક અંધાપો આવતા ગંભીર અકસ્માતો સર્જાય છે. અમદાવાદના એસ.જી. હાઈવે અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં લક્ઝુરિયસ ગાડીઓમાં બ્લેક ફિલ્મ અને આવી ડેઝલિંગ લાઈટોનો ત્રાસ વધ્યો છે.
ઓટોમોબાઈલ એક્સપર્ટ્સના કહેવા મુજબ વાહનો પર સફેદ લાઈટ જોવામાં સ્ટાઈલિશ લાગે છે, પરંતુ તે સુરક્ષાની દ્રષ્ટિએ નકામી છે. સફેદ લાઈટ વરસાદ કે ધુમ્મસમાં રિફ્લેક્ટ થાય છે, જેનાથી ડ્રાઈવરને પોતાને પણ રસ્તો સ્પષ્ટ દેખાતો નથી. જ્યારે પીળી લાઈટ (Warm White) ની વેવલેન્થ એવી હોય છે જે ધુમ્મસ અને વરસાદને ભેદી શકે છે, જેનાથી વિઝિબિલિટી સારી રહે છે. દેશમાં થતા કુલ અકસ્માતોમાંથી આશરે 40% અકસ્માતો રાત્રિના સમયે થાય છે. તેના પાછળ અનેક વૈજ્ઞાનિક કારાણો જવાબદાર હોય છે. જ્યારે તમારી આંખ પર સીધી તેજ સફેદ લાઈટ પડે છે, ત્યારે આંખની કીકીને ફરીથી સામાન્ય સ્થિતિમાં આવતા 3 થી 9 સેકન્ડ જેટલો સમય લાગે છે. જો તમારી ગાડી ફૂલ સ્પીડમાં હોય, તો આ 7-8 સેકન્ડમાં ગાડી અંદાજે 50 મીટર કે તેથી વધુ અંતર કાપી નાખે છે. આટલા સમયમાં ચાલક સંપૂર્ણપણે ‘બ્લાઈન્ડ’ હોય છે, જે અકસ્માત માટે પૂરતું છે.


