અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Stock of suspicious chili and turmeric seized. રાજ્યમા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના માધૂપુરાના ઢાળ વિસ્તારમાં એક મસાલા બનાવતા એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ જણાતા અંદાજિત 2 હજાર કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુનો પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું હતું. તેમજ મસાલાના નુમના પરીક્ષણ માટે લેબને મોકલી અપાયા હતા.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના માધુપુરા નજીક ઢાળ વિસ્તારમાં આવેલી જય માતાજી ટ્રેડર્સ નામના એકમ પર દરોદા પાડવામાં આવ્યા હતા. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 (FSSAI) અન્વયે મુખ્ય 3 મસાલાના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં મરચું પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું પાવડરનો સમાવેશ થાય છે. આ તમામ 3 નમૂનાઓને ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ પણ શખ્સો કે વ્યાપારી એકમો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા માલુમ પડશે, તો તેમની સામે FSSAI તેમજ GPMC એક્ટ અંતર્ગત કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
એએમસીના ફૂડ વિભાગના સૂત્રોના કહેવા મુજબ થોડા દિવસ પહેલા ‘જય અંબે ભોજનાલય’માંથી ગ્રેવીનો એક નમૂનો લેવામાં આવ્યો હતો. જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ગ્રેવીનો નમૂનો ‘અનસેફ’ જાહેર કરવામાં આવ્યો હતો. ગ્રેવીમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ‘કેસરીનંદન સ્પાઇસીસ’ બ્રાન્ડના હતા. આ બ્રાન્ડનું ઉત્પાદન જુના માધુપુરા ઢાળ ખાતે આવેલ જય માતાજી ટ્રેડર્સના માલિક વિક્રમ કિશોરભાઈ થાવાણી દ્વારા કરવામાં આવતું હતું. ત્યાં જઈને અંદાજે 12.50 લાખની કિંમતનો 2 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો છે.


