અંબાજી, 08 માર્ચ 2026: A truck loaded with stones overturned and hit two cars યાત્રાધામ એવા અંબાજી ખાતે ગબ્બર સર્કલ નજીક ગઈકાલે શનિવારે બપોરેના સુમારે પથ્થર ભરેલી એક ટ્રક પલટી ખાતાં ટ્રકે રસ્તા પરથી પસાર થતી બે કારને અડફેટે લેતા ટ્રક ચાલક સહિત પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અંબાજી તરફથી માર્બલના પથ્થરો ભરેલી ટ્રક રાજસ્થાન તરફ જઈ રહી હતી. ત્યારે ગબ્બર સર્કલ નજીક પહોંચતા ટ્રક ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ટર્ન લેવાનો પ્રયાસ કરતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી અને તેમાં ભરેલા પથ્થરો રોડ પર ઊડીને વિખેરાઈ ગયા હતા. દરમિયાન ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી બે કાર પણ ટ્રકના પથ્થરોની અડફેટે આવી ગઇ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક ઉપરાંત મુંબઈથી અંબાજી દર્શનાર્થે આવેલા ત્રણ યાત્રિકો અને એક સ્થાનિક મહિલા સહિત પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં કિશોરભાઇ ગોવિંદભાઇ ચિત્રોડા (રહે.મુંબઇ), નિમેષભાઇ રણછોડભાઇ રાકોલીયા (રહે.મુંબઇ),જનતાબેન પુનમાભાઇ પરમાર (રહે.આંબલીયાળ),મુકેશ ભાઇ કિશનબહાદુર (રહે.શિરોહી) અને સોમાભાઇ કણબાભાઇ ગામેતીને ઇજા થઇ હતી.પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


