
- ટ્રેલર, બે બાઈક, જીપ અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત,
- રાધનપુરના મોટી પીપળી નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો,
- અકસ્માતમાં 15 લોકો ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પાટણઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાધનપુર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. રાધનપુરના મોટી પીપળી નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાધનપુરના મોટી પીપળી નજીક હાઈવે પર એક ટ્રેલર, બે બાઈક, એક જીપ અને એક બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચારના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અને 15 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
અકસ્માત અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હાઈવે પર એક સાઇડના રસ્તાનું કામ ચાલુ હતું, જેથી રસ્તો બંધ હતો. જેને પગલે એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. આ દરમિયાન સૌ પ્રથમ ટ્રલર અને પિકઅપ ડાલા વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ પાછળ આવતી જીપ અને બે બાઈક પણ અથડાઈ હતી. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર પણ પહોંચ્યા હતા.