
- મોટેરા આશ્રમમાં આસારામના દર્શન માટે સાધકો ઉમટ્યાં
- અનુયાયીઓને ન મળવાની જામીનમાં શરત હોવાથી આસારામ એકાંતવાસમાં રહ્યા,
- કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આશ્રમ પર પોલીસની નજર
અમદાવાદઃ આસારામ દૂષ્કર્મ કેસમાં શરતી જામીન પર છૂટીને 12 વર્ષે અમદાવાદના મોટેરા આશ્રમમાં આવતા આસારામજીના દર્શન માટે સાધકો ઉમટી પડ્યા હતા. આસારામજીના જામીનમાં અનુયાયીઓને ન મળવાની શરત હોવાથી આસારામજી એકાંતવાસમાં રહ્યા હતા. દરમિયાન આશ્રમ પર સાધકોની ભીડ જામતા સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે એલર્ટ બનીને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે પ્રવેશ કર્યો છે. આસારામના જામીનમાં શરત છે કે, આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતા આશ્રમમાં ઉમટી પડ્યા હતા. આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે પોલીસ પણ એલર્ટ બની છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કર્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત આવ્યા છે. હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે. અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આસારામને જ્યારે જામીન મળ્યાં ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યા છે. આખી તપાસ દરમિયાન અનેક વિવાદો સપાટી પર આવ્યા હતાં. ત્યારે વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન છેડે તે માટે ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.