
- દરેક સ્મશાનગૃહમાં ક્યુઆર કોડ લગાવાયા
- ક્યુઆરલ કોડખી ફોર્મ ડાઉનલોડ કરીને વોર્ડ ઓફિસમાં જમા કરાવવાથી મરણ નોંધ થશે
- મ્યુનિની વોર્ડ ઓફિસમાં 21 દિવસમાં નોંધણી કરાવી શકાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહોમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી ફોર્મ ડાઉનલોડ થશે. એમાં મરણ જનારની જરૂરી વિગતો ભરીને આધારકાર્ડ સહિતના પુરાવા સાથે જે તે વિસ્તારના મ્યુનિની વોર્ડ ઓફિસમાં 21 દિવસમાં જમા કરાવવાથી મરણ નોંધ સરળતાથી થઈ જશે.
અમદાવાદ મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે. QR કૉડની મદદથી મૃતકના સગા -સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે. મ્યુનિ.હદમાં જે મૃત્યુ થયુ હોય એની નોંધ મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તે સંજોગોમાં જે તે હોસ્પિટલ દ્વારા મ્યુનિ.તંત્રને વિગત મોકલાતી હોય છે.પરંતુ જેઓના ઘરે મૃત્યુ થયુ હોય તેમના સગા-સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધ કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી ફરી મરણ નોંધણી કરાવવા જવુ પડતુ હતુ.આ પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે.
મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ સ્મશાન ગૃહમાં ક્યુઆર કોડ લગાવાયા છે. જેના આધારે મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી જરુરી વિગત ભરી જરુરી આધાર પુરાવા સાથે જે વોર્ડમાં મરણ થયુ હોય એ વોર્ડમાં આવેલી જન્મ-મરણની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો સરળતાથી મરણ નોંધ થઈ શકશે. મૃત્યુની નોંધ 21 દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે. 21 દિવસથી 1 વર્ષ સુધીમાં નોંધણી કરાવવા માટે જન્મ-મરણ વિભાગની હેડ ઓફિસ ખાતે નોંધણી થઈ શકશે. (file photo)