અમદાવાદના વસ્ત્રાપુર તળાવને 10 કરોડના ખર્ચે રિ-ડેવલોપ કરાયુ, રવિવારે લોકાર્પણ કરાશે
- લેકના એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા 3 વ્યુઈંગ ગેલેરી બનાવાઈ
- બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા બનાવાયો
- વસ્ત્રાપુર લેકમાં મુલાકાતીઓએ રૂપિયા 10 એન્ટ્રી ફી આપવી પડશે
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને રૂપિયા 10 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુમાં મુલાકાતીઓને મોહી લે એવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને નિહાળી શકાય તેના માટે ત્રણ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. વસ્ત્રાપુર તળાવમાં એન્ટ્રી મેળવતાની સાથે જ આકર્ષક ફુવારાનો નજારો જોવા મળશે. વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે રૂ. 10 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જો કે, સવારે મોર્નિંગ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. વસ્ત્રાપુર લેકનું લોકાર્પણ કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે આગામી તા. 7મી ડિસેમ્બરને રવિવારે કરાશે.
અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા વસ્ત્રાપુર તળાવને રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. અગાઉ વસ્ત્રાપુર તળાવને વર્ષ 2003માં ઔડા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે લેકને રિ-ડેવલેપ કરવામાં આવ્યુ છે. લેક પર વહેલી સવારે અને સાંજે નાગરિકો મોર્નિંગ કરી શકે તેના માટે 950 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. 250 ચોરસ મીટરનો પેટ ડોગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ત્રણ એન્ટ્રી ગેટ છે જેમાં ફુવારા મુકવામાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા વસ્ત્રાપુર તળાવ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એએમસી દ્વારા 10 કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન તરીકે નામ આપવામાં આવશે. જે ત્રણ ગેટ લગાવવામાં આવ્યા છે તેના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં નરસિંહ મહેતા ગેટ, કલ્યાણપૃષ્ટી હવેલી ગેટ અને શહિદ ચોક ગેટનો સમાવશ થાય છે. કોઇપણ ગેટથી પ્રવેશતા પહેલાં જ નાગરીકોને ફુવારાની શિતળતાનો સ્પર્શ થશે. તળાવમાં લીલ થાય નહીં અને ઓક્સિજન ઘટે નહીં તેના માટે 3 સ્થળે એરેટર લગાવ્યા છે. સિનિયર સિટીઝનોને બેસવા માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. વસ્ત્રાપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઈનો પણ તળાવમાં નાખવામાં આવેલી છે. 5 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યો છે જેથી ખરાબ પાણીને શુદ્ધ કરીને તળાવમાં પાણી ભરી શકાશે


