
- ઘરેણાંના બફિંગ પોલિસનું કામ ચાલતું હતું ત્યારે એકાએક લાગી આગ,
- ફાયર બ્રિગેડે ચાર કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો,
- ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું
રાજકોટઃ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિસ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આગ લાગતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરના જવાનો 5 જેટલા ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને પાણીનો મારો ચલાવી ચાર કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતાં. આ ઘટનામાં એક કારીગરનું મોત નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર-10માં આવેલા સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં 5માં મળે આગ લાગી હતી. જેમાં એક બંગાળી કારીગરનું મોત થયું હતુ, જ્યારે એક કારીગરને ઇજાઓ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું. જો કે, FSLની મદદથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે.
શહેરના ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ, ગત રાત્રે 1.18 વાગ્યે નાના મવા સર્કલ કંટ્રોલરૂમમાંથી દિવાનપરા શેરી નં.10માં આવેલા શ્રીહરી નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક બેડીપરા ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કોમ્પલેક્ષના પાંચમાં માળે પતરાનો ડોમ બનાવેલો હતો તેમાં લાગી હતી, જેને તાત્કાલિક પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. શ્રીહરી કોમ્પલેક્ષ G+5 ડોમ એમ છ માળની બિલ્ડિંગ છે. કોમ્પલેક્ષમાં કારીગરો ચાંદીના ઘરેણા બફિંગ કરતા હતા તે સમયે બફ મશીનમાં આગ લાગી હતી. આ આગે ભયંકર સ્વરૂપ પકડતા ટેરેસ ઉપરનો ડોમ સંપૂર્ણ સળગી ગયો છે. તેમાં LPG ગેસના 4 સિલિન્ડર રાખેલા હતાં, તેમાંથી એક સિલિન્ડ બ્લાસ્ટ થતા આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ.