
- અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો
- સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી, ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે
- બપોરે 11 થી 5 દરમ્યાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. અને હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે તાપમાનથી શહેરીજનોને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે, ડ્રાઇવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે. મોટા ડેપો પર ગ્રીન નેટ, કુલર, પંખાની સુવિધા ઉપલબ્ધ હશે. શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડાશે, રેડ એલર્ટ દરમ્યાન શાળાના સમય બદલાશે. 50 પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે. બગીચા સવારના 6 થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે ટ્રાફિક જંકશન પર ગ્રીન નેટ બંધાશે, 11 થી 5 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરથી રાજ્યભરમાં માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીને વટાવી ગયો છે. અમદાવાદ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, ગત વર્ષે સૂકા પવનોની અસરથી 26 માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઊંચકાયું છે. એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ છે. સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધી 40.4 નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતાં સવારથી બપોરના 12.00 વાગ્યા સુધી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ, બપોર પછી પવનની ગતિ ઘટી ગઇ હતી. લોકોએે બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએ માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ શહેરીજનોને હીટવેવથી બચાવવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે, ડ્રાઇવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે. મોટા ડેપો પર ગ્રીન નેટ, કુલર, પંખાની સુવિધા ઉપલબ્ધ હશે. શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડાશે, આ ઉપરાંત રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય બદલાશે. 50 પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે. બગીચા સવારના 6 થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે, તેમજ ટ્રાફિક જંકશન પર ગ્રીન નેટ બંધાશે, 11 થી 5 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.