
કરાચીમાં કપડાની સિચાઈ મામલે થયેલી તકરારમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને લોકો તૈયારીમાં જોતરાયાં છે. દરમિયાન કરાચીમાં ઈદના કપડાની સિચાઈ મામલે થયેલી તકરારમાં એક વ્યક્તિએ દરજી ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનના કરાચીમાં અટોકના કેમ્પબેલપુર મુસા વિસ્તારમાં એક દરજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈદના તહેવારમાં પહેરવા માટે કપડાની સિલાઈને લઈને થયેલા વિવાદ બાદ આ ઘટના બની હતી. અહેવાલ મુજબ, મુદસ્સર તરીકે ઓળખાતા આરોપીએ દરજી સાજિદ અને અન્ય એક વ્યક્તિ એહસાન પર ગોળીબાર કર્યો હતો, જેમાં સાજિદનું ઘટનાસ્થળે જ મોત થયું અને એહસાનને ગંભીર ઈજા થઈ હતી.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ આરોપીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.