
- ભાજપના કાર્યકરે 1000 રૂપિયાના ટોકન દરે પ્લોટ ભાડે લીધો હતો
- પ્લોટિંગ કરીને 10,000ના દરે પ્રતિમાસ ભાડે આપવાનો હતો
- વિરોધ થતાં મ્યુનિએ કિંમતી પ્લોટ પરત લીધો
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં મ્યુનિની માલિકીનો કિંમતી પ્લોટ ભાજપના એક કાર્યકરે પક્ષના એક નેતાની ભલામણથી માત્ર 1000 રૂપિયાના ટોકન દરથી મેળવીને વિશાળ પ્લોટમાં પ્લોટિંગ કરીને દરેક પ્લોટિંગના માસિક રૂપિયા 10 હજારના ભાડે આપવાનો કારસો ઘડ્યો હતો, ભાજપના કાર્યકરે ગૃહ ઉદ્યોગ માટે પ્લોટ ભાડે મેળવ્યો હતો. અને તેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી પણ આપી દીધી હતી. દરમિયાન મ્યુનિના પ્લોટમાં ગેરકાયદે એંગલો મૂકી બાંધકામ કરાતા ભાજપના કાર્યકરને મ્યુનિએ નોટિસ આપી પ્લોટ ખાલી કરાવ્યો છે. સ્ટેન્ડિંગે પણ આ પ્લોટ આપવાનો ઠરાવ રદ કરવો પડ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા 24000 ચોરસ મીટર ક્ષેત્રફળના પ્લોટને અશોક મીઠાપરા અને કેયુર ચાવડાએ 6 માસ માટે ગૃહ ઉદ્યોગના પ્રમોશન માટે ભાડે મેળવવા માટે અરજી કરી હતી. જે અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવતાં આ દરખાસ્તને મંજૂર કરાઈ હતી. કેયુર અને અશોક બંને ભાજપમાં કાર્યકર છે. તેમને આ પ્લોટ 6 માસ માટે ફાળવાયો હતો. બંનેને ગત 2જી અને 16મી જાન્યુઆરીના રોજ 6 મહિના માટે આપવાનો નિર્ણય કરાયો હતો. બંને દ્વારા આ પ્લોટ પર સિમેન્ટથી પાકાં થડા ઉભા કરી તેના પર લોખંડની એંગલો ઉભી કરવામાં આવી હતી. એસજી હાઇવે ગોતા જેવા મહત્વની જગ્યાએ જ આ પ્રકારની પ્રવૃત્તી ધ્યાને આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ભાજપના કાર્યકરએ મ્યુનિના પ્લોટનો કબજો મેળવ્યા બાદ પ્લોટની બહાર બોર્ડ માર્યું હતું કે, આ જગ્યા પર પ્લોટ્સ ભાડે આપવામાં આવશે. જેમાં બાળકોના કપડાં, ઘર વખરીનો સામાન, નાના બાળકોની વસ્તુઓ, મેકઅપ વેરાયટી, સીઝનેબલ વેરાયટી, લેડીઝ-જેન્ટસ વેર, સહિતની તમામ પ્રકારની વસ્તુઓ વેચી શકાશે. જે માટે પ્લોટનું ભાડું 10 હજાર રાખ્યું હતું. આ બાબતની જાણ થતાં જ મ્યુનિ. એસ્ટેટ વિભાગે પ્લોટ રાખનારને નોટિસ આપી હતી. તેમજ બાંધકામ અટકાવી જગ્યા ખાલી કરવા નિર્દેશ અપાયો હતો.
એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોતામાં ફાળવાયેલા મ્યુનિના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું હોવાનું ધ્યાન પર આવતાં રવિવારે રાત્રે જગ્યા ફાળવણીના ઠરાવ રદ કરવા નિર્દેશ આપ્યો છે. છેલ્લા લાંબા સમયથી ગૃહ ઉદ્યોગ સહિતના વેચાણ માટે 3 મહિના કે મહત્તમ 6 મહિના માટે જ પ્લોટ ભાડે આપીએ છીએ. જેથી આ પ્રકારની પ્રવૃત્તિ ન થઇ શકે. છેલ્લા કેટલાક સમયમાં આ પ્રકારે ગૃહ ઉદ્યોગ માટે અપાયેલા તમામ પ્લોટમાં તપાસની સૂચના આપી દેવાઈ છે. જ્યાં નિયમ વિરુદ્ધ કામ હશે ત્યાં મંજૂરી રદ થશે.