
એશિયા કપ ક્રિકેટઃ આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા વચ્ચે મેચ રમાશે
એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.
એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે સુપર-4 રાઉન્ડની અંતિમ મેચ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચના પરિણામની બેમાંથી એકેય ટીમના ભાવિ પર અસર પડવાની નથી કેમ કે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પોતાનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે તો બીજી તરફ શ્રીલંકન ટીમ અગાઉથી જ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. આમ ભારત પાસે આ મેચમાં અખતરા કરવાની કે અત્યાર સુધી નહીં રમેલા ખેલાડીને સમાવવાની તક રહેશે. ભારતીય સમય મુજબ રાત્રે 8.00 કલાકે મેચનો પ્રારંભ થશે.
ભારતીય ટીમે બુધવારે બાંગ્લાદેશ સામેની મેચ જીતી તે સાથે તેણે ફાઇનલમાં પ્રવેશ તો કરી જ લીધો હતો પરંતુ સાથે સાથે શ્રીલંકન ટીમ ફેંકાઈ ગઈ હતી કેમ કે સુપર-4માં શ્રીલંકન ટીમ તેની બંને મેચ (વિરુદ્ધ બાંગ્લાદેશ અને પાકિસ્તાન) હારી ગઈ હતી. આમ શુક્રવારની મેચ બંને ટીમ માટે ઔપચારિક બની રહી હતી.
ભારત આ મેચમાં અત્યાર સુધી નહીં રમેલા ખેલાડીને અજમાવી શકે છે અને ખાસ કરીને જિતેશ શર્માને તેની આક્રમક બેટિંગની ચકાસણી માટે તક આપી શકે છે. દરમિયાન પાકિસ્તાની ટીમ ગુરુવારે બાંગ્લાદેશ સામે રમનારી છે તે જોતાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાય તેવા તમામ સંજોગો પેદા થયા છે.
ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં અત્યારે જે રીતે ખેલાડીઓ રમી રહ્યા છે તે જોતાં સંજુ સેમસનને બાદ કરતાં બાકીની તમામ બેટર સેટ થઈ ગયેલા છે. જોકે ભારતની ચિંતા તેની બેટિંગ કે બોલિંગ નહીં પરંતુ ફિલ્ડિંગ છે. આ ટુર્નામેન્ટમાં ભારતે દસ કેચ ગુમાવ્યા છે જેમાંથી પાંચ કેચ બુધવારે બાંગ્લાદેશ સામેની મેચમાં ગુમાવ્યા હતા.