
ઉત્તરપ્રદેશમાંથી બબ્બર ખાલસા જૂથનો આતંકવાદી મારક હથિયારો સાથે ઝડપાયો
લખનૌઃ ઉત્તર પ્રદેશ એસટીએફ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. ગુરુવારે વહેલી સવારે યુપીના કૌશાંબી જિલ્લામાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબના અમૃતસરના રહેવાસી, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યુલના સક્રિય આતંકવાદી લાઝર મસીહની યુપી STF અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આતંકવાદી લાઝર બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના જર્મન સ્થિત મોડ્યુલના વડા સ્વર્ણ સિંહ ઉર્ફે જીવન ફૌજી માટે કામ કરે છે અને પાકિસ્તાન સ્થિત ISI ઓપરેટિવ્સ સાથે સીધા સંપર્કમાં છે.
યુપી એસટીએફએ જણાવ્યું હતું કે, આતંકવાદી પાસેથી ત્રણ સક્રિય હેન્ડ ગ્રેનેડ, બે ડેટોનેટર, 13 કારતૂસ અને એક વિદેશી પિસ્તોલ અને શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી (સફેદ રંગનો પાવડર) સહિત ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાઝિયાબાદના સરનામા સાથેનું એક આધાર કાર્ડ અને એક મોબાઇલ ફોન (સિમ કાર્ડ વિના) મળી આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના સંપર્કમાં હતો. શંકાસ્પદ આતંકવાદી લાઝર મસીહને કૌશામ્બીથી સવારે લગભગ 3.20 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. લાઝર મસીહ પંજાબના અમૃતસરના રામદાસ વિસ્તારના કુર્લિયાન ગામનો હોવાનું કહેવાય છે. આ આતંકવાદી 24 સપ્ટેમ્બર 2024 ના રોજ પંજાબમાં ન્યાયિક કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. યુપી એસટીએફ અને ગુપ્તચર એજન્સીઓ આ ધરપકડને ભારતમાં આતંકવાદી ષડયંત્ર સાથે જોડાયેલી મોટી સફળતા માની રહી છે.