1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો
બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો

બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો

0
Social Share
  • બનાસ ડેરીની જાહેરાતથી પશુપાલકોમાં દિવાળીનો માહોલ,
  • બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે,
  • દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે
  • હવે કિલો ફેટના 989ના બદલે 1007 રુપિયા મળશે

 પાલનપુરઃ એશિયાની સૌથી મોટી અને ગુજરાતની અગ્રણી એવી બનાસ ડેરી દ્વારા આજે 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.08 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે, બનાસ ડેરીના આ નિર્ણયને પશુપાલકોએ સહર્ષ વધાવી લીધો હતો અને આ ભાવફેર વધારાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આ ભાવફેરની રકમમાંથી બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, જ્યારે દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે. આ રીતે કુલ ₹2909.8 કરોડનો કુલ નફો પશુપાલકોને મળશે. ગત વર્ષે ચૂકવાયેલા ₹1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો છે.

એશિયાની સૌથી મોટી એવી બનાસકાંઠાની બનાસ ડેરીની આજે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યમાં જિલ્લાભરના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલ ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર આપતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ એવા ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેરની જાહેરાત કરી હતી. જે ટકાવારીમાં 18.32 ટકા થાય છે. આજની સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી હતી.

બનાસકાંઠાના પશુપાલકોને વર્ષ 2023-24માં કિલો ફેટે આપવામાં આવતા 989.28 રૂપિયાની જગ્યાએ આ વર્ષે ભાવ વધારો કરીને પશુપાલકોને કિલો ફેટ લેખે 1007 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ડેરીની સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પશુપાલકોની અપેક્ષા કરતા પણ સારો ભાવ વધારો નિયામક મંડળને આપી શક્યો એનો સંતોષ છે. પશુપાલકોની રાત દિવસની મહેનત, અમારા કર્મચારી-અધિકારીઓનું કામ અને દેશના વડાપ્રધાને પશુપાલકોનું પ્રોટેક્શન કર્યું, અમેરિકાનું દુધ ભારતમાં ન આવે એના માટે જે પોલિસી કરી. જેથી કરીને આજે 21 કરોડથી વધુ રુપિયા ભાવફેર તરીકે અમે પશુપાલકોને આપી શક્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, મને સૌથી સંતોષ એ વાતનો છે કે ડેરી તો ભાવફેર આપે છે પણ દુધ મંડળીઓએ પણ 700 કરોડથી વધુ ભાવફેર આપવાનો નિર્ણય કર્યો, જેથી આવતા મહિનાનો પગાર 1200 કરોડથી વધુ આવશે. આ ઉપરાંત 2900 કરોડથી વધુ રુપિયા બીજા મળીને કુલ 4 હજાર કરોડ બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં આવશે. આ ખેડૂતો અને માતાઓ બહેનોની મહેનતનું ફળ છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code